Site icon Revoi.in

વિદેશી વૃક્ષ કોનાકોપર્સ પર પ્રતિબંધ છતાંયે અમલવારી નહીં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વિદેશી પ્રજાતિના કોનાકોપર્સ વૃક્ષોને લીધે નુકાશન થઈ રહ્યું છે. કોનાકોપર્સના વક્ષો ભૂગર્ભ જળનું તો નિકંદન કાઢે જ છે સાથે સાથે તેના ફૂલના રજ માનવજીવન માટે પણ રોગ નોતરી રહ્યા છે. આ પરાગરજને કારણે લોકોમાં અસ્થમા, ઈન્ફેક્શન, એલર્જી સહિતના કેસ બહાર આવી રહ્યા છે. આ બધા દુષ્પ્રભાવને લઈને ભારે વિરોધ બાદ ગુજરાત સરકારે કોનાકોપર્સ વૃક્ષો ઉછેર અને વાવેતર પર પ્રતિબંધ મુક્યો છે. પરંતુ એનો અસરકારક અમલ હજુ શરૂ કરાયો નથી. કારણ કે પ્રતિબંધ હોવા છતાંયે કોનાકોપર્સના રોપાઓનું બે-રોકટોક વેચાણ થઈ રહ્યું છે. ખાનગી નર્સરીઓમાં કોનાકોપર્સના રોપાઓનું વેચાણ થાય છે. છતાંયે વન વિભાગ દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી.

ગુજરાતમાં પ્રતિબંધ હોવા છતાં કોનાકોર્પસના અનેક વૃક્ષો હૈયાત છે. આવા વૃક્ષોને કારણે સ્થાનિક પ્રજાતિના વૃક્ષો, છોડ તેમજ પશુ પંખીઓને નુકશાન થઈ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા કોનાકોપર્સ વૃક્ષો પર પ્રતિબંધ તો મુકાઈ ગયો પણ હજુ યોગ્ય અમલવારી નથી થઈ. મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, ગ્રામપંચાયતો સુધી તો આ આદેશ હજુ પહોંચ્યો જ ન હોય તેમ તેવી સ્થિતિ છે. અમુક વિસ્તારોને બાદ કરતા ક્યાંય પણ કોનાકાર્પસને હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી નથી. જેને લઈને ઘણી જગ્યાએ હજુ પણ આ વિદેશી છોડ રોપાઈ રહ્યા છે અને બેફામ વેચાઈ રહ્યા છે.

સૂત્રોના કહેવા મુજબ રાજ્યમાં કોનાકોર્પસના વાવેતરને લઈને થતા નુકસાન, આડઅસર બાબતે જાગૃતિ અભિયાનો, કિસાન શિબિર, પ્રકૃતિ શિબિરના આયોજન કરાયા છે પણ તેની અસર ક્યાંય નથી. કોનાકાર્પસની અસર ઘણા સમય સુધી રહે છે તેથી સૌથી શ્રેષ્ઠ ઉપાય છે કે, આ છોડ જે પણ નર્સરીમાં હજુ પણ વેચાઈ રહ્યા છે ત્યાં કડક કાર્યવાહી કરવી તેમજ જ્યાં જ્યાં સરકારી મિલકતોની આસપાસ કે રોડ પર આ છોડ વાવવામાં આવ્યા છે તેને દૂર કરીને ત્યાં સ્થાનિક પ્રજાતિના વૃક્ષો વાવીને કુદરત અને પશુપંખીઓનું જતન કરવામાં આવે. સરકારે  કોનાકોપર્સ પરના પ્રતિબંધનો પરિપત્ર કરી નાખ્યો છે પણ હજુ સુધી અમલવારી નથી થઈ. સરકારી અધિકારીઓને સરકારના જ આદેશનો અમલ કરવામાં રસ નથી.  વિવિધ વિભાગોમાં હજુ પણ કામગીરી થઈ હોય તેવી અસર દેખાતી નથી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, ગ્રામપંચાયતો આ આદેશનું પાલન કરે તો આ વૃક્ષો દૂર કરી શકાશે.