શહેરી વિસ્તારોમાં એરહોર્ન વગાડવા પર પ્રતિબંધ છતાં વાહનચાલકો સામે પગલાં કેમ લેવાતા નથી ?
અમદાવાદઃ ગુજરાતમાં નાના-મોટા શહેરોમાં અવાજનું પ્રદુષણ વધતું જાય છે. ધ્વની પ્રદુષણ સામે સરકારે નિયમો તો બનાવ્યા છે પરંતુ તેનું પાલન કરાવવામાં તંત્ર તદ્દન નિષ્ક્રિયતા રહ્યુ છે. શહેરી વિસ્તારોમાં વાહનો દ્વારા એર હોર્ન વગાડવાની મનાઈ છે અને ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓ તેમજ હોસ્પિટલો નજીક તો સાયલેન્સ ઝોન હોય છે. પરંતુ નિયમોનો સરેઆમ ભંગ કરીને ટ્રક કે લકઝરી બસના વાહનચાલકો એરહોર્ન મોટા અવાજે વગાડતા હોવાથી લોકો પણ ત્રસ્ત થઈ ગયા છે.વધતા જતા શહેરીકરણમાં અવાજનું પ્રદૂષણ પણ મોટું દુષણ બની ગયું છે. સામાન્ય રીતે ઘરે ઘરે વાહનો થઈ ગયા છે. અવાજના પ્રદૂષણને અટકાવવા માટે સરકારે મોટા અવાજ કરતા હોર્ન પર પ્રતિબંધ ફરમાવ્યો છે. પરંતુ એનું યોગ્યરીતે પાલન થતું નથી.
અમદાવાદ,રાજકોટ વડોદરા, સુરત અને ભાવનગર સહિત તમામ શહેરોમાં ધ્વની પ્રદુષણ વધી રહ્યું છે. નાના-મોટા વાહનોના અવાજો હોર્ન, તેમજ લગ્ન પ્રસંગે વગાડાતા ડીજે વગેરેને કારણે ધ્વની પ્રદુષણ વધતા તેની સાથે શહેરીજનોમાં બહેરાશનું પ્રમાણ પણ વધી રહ્યું છે.ખાસ કરીને યંગ જનરેશનમાં મોટા અને વિચિત્ર અવાજ કરતાં હોર્ન વાહનોમાં લગાવવાનો જાણે એક ક્રેઝ બની ગયો હોય તેમ સ્કૂલ કોલેજના યુવાનો પોતાના વાહનોમાં વિચિત્ર હોર્ન લગાવતા હોય છે. અને રસ્તાઓ પર પૂર ઝડપે મોટા અવાજ સાથેના હોર્ન વગાડતા નીકળતા હોય છે. છતાં તંત્ર દ્વારા તેને અટકાવવાના કોઈ પ્રયાસ થતા નથી. મોટા અવાજના હોર્ન માત્ર યંગ જનરેશનના વાહનોમાં જ નહીં પરંતુ કુલ બસ અને ખાનગી બસમાં પણ મોટા અવાજના હોર્નનો ઉપયોગ કરવામાં આવે છે. જેની પણ કોઈ તપાસ કે પગલાં લેવાતા નથી. શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલોની બહાર સાઈલેન્સના બોર્ડ લગાવી કામગીરી કર્યાનો તંત્ર સંતોષ માને છે. પરંતુ હોસ્પિટલ કે સ્કૂલ કોલેજ બહાર નીકળતા વાહનો મોટા અવાજ સાથેના હોર્ન વગાડે છે. તેને નજર અંદાજ કરવામાં આવે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, તમામ શહેરોમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને નિયત સભ્યો સાથે દર ત્રણ મહિને ટ્રાફિક સલાહકાર સમિતિની બેઠક યોજવામાં આવતી હોય છે. જેમાં ટ્રાફિક સંદર્ભેના પ્રશ્નોની ચર્ચા અને તેના ઉકેલ કાઢવામાં આવે છે પરંતુ શહેરી વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે વાહનોમાં લગાવેલા એર હોર્ન બાબતે કોઈ નિર્ણય કે પગલા લેવાતા નથી. શહેરના મુખ્ય માર્ગો પર યુવાનો હાઈ સ્પીડના વાહનોમાં મોટા અવાજ સાથે હોર્ન વગાડતા નીકળે છે અને જે વાહન પાસેથી પસાર થાય તે ચાલકનું બેલેન્સ જળવાતું નથી અને અકસ્માત સર્જાય છે. પોલીસે દ્વની પ્રદુષણ ફેલાવતા વાહનો સામે પગલાં લેવાની માગ ઊઠી છે.