અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શનિવાર સાંજથી પાનના ગલ્લાઓ અને ચાની કિટલીઓ બંધ કરાવી હતી. પરંતુ આજે રવિવારે સવારે અમદાવાદમાં ફરી ચાની કિટલીઓ અને કેટલાક પાનના ગલ્લાઓ ધમધમતા જોવા મળ્યા હતા. ગુજરાત યુનિવર્સિટી પાસે જ્યાં સામાન્ય દિવસોમાં અને દર રવિવારે ચા માટે ભીડ જામતી હોય છે ત્યાં આજે સવારે પાનના ગલ્લા અને ચાની કિટલીઓ ખુલ્લી જોવા મળી હતી. લોકો ટોળે વળી ચા પીવા માટે સ્ટોલ પર ઉભા હતા. એકતરફ કોર્પોરેશન ચાની કિટલીઓ અને પાનના ગલ્લાઓ બંધ કરાવવાની વાત કરે છે પરંતુ કેટલાક વિસ્તારોમાં ટી સ્ટોલ ચાલુ જોવા મળે છે.
અમદાવાદ શહેરમાં કોરોના વધતા જતા કેસ વચ્ચે મ્યુનિ.સોલીડ વેસ્ટ વિભાગે શહેરના તમામ પાનના ગલ્લાં અને ચાની લારીઓને શનીવારે બંધ કરાવી દીધી છે. લારી-ગલ્લાં મ્યુનિ.એ અનિશ્ચિત મુદત માટે બંધ કરાવી દીધાં છે. મ્યુનિ.એ 2 હજાર જેટલાં પાનના ગલ્લા અને 1500 જેટલી ચાની કિટલીઓ બંધ કરાવી છે. નવો હુકમ ન થાય ત્યાં સુધી લારી-ગલ્લાઓ બંધ રાખવાનો આદેશ અપાયો છે. મ્યુનિ. સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા શનિવારે સાંજથી જ શહેરના તમામ લારી ગલ્લાં બંધ કરાવવા માટે અભિયાન હાથ ધરાયું હતું. શહેરના તમામ વોર્ડના પાનના ગલ્લા અને ચાની લારીઓને અનિશ્ચિત મુદત માટે બંધ કરાવી છે.
મ્યુનિના સોલીડ વેસ્ટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં સૌથી વધુ લોકો પાનના ગલ્લે અને ચાની લારીએ ભેગાં થાય છે. એટલું જ નહી, પાનના ગલ્લે કે ચાની લારીએ ઊભા રહીને સિગારેટ-ચા પીતા કે મસાલો ખાતા નાગરિકો મોઢા પર માસ્ક પહેરતાં નથી અને જોડે ઊભાં રહીને વાતો કરતાં હોય છે. જેને કારણે આ બંને સ્થળો પર લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાના નિયમોનું ઉલ્લંઘન કરે છે. પાનના ગલ્લા શનિ-રવિવારે બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. ત્યાં પાનના ગલ્લાં ચાલુ રાખતાં, આખરે તંત્રએ રાત્રે રસ્તા પર ઉતરીને પાનના ગલ્લા બંધ કરાવ્યા હતા. અમદાવાદમાં પાનના ગલ્લાઓ અને ચાની કીટલીઓ ક્યાં સુધી બંધ રહેશે તે અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.