અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી એકંદરે સરેરાશ સારો વરસાદ પડતો હોવાથી કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થયો છે. બીજા બાજુ ખેડુતોને ખેત પેદાશોના ભાવ પણ સારા મળી રહ્યા છે. પંજાબ કરતા પણ ગુજરાતના ખેડુતોની વધુ આવક હોવાનો કૃષિમંત્રી રાઘવજી પટેલ દાવો કરી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય કૃષિમંત્રાલયે જાહેર કરેલા રિપોર્ટમાં ગુજરાતના પ્રત્યેક ખેડૂત પરિવારના માથે રૂા. 56,568નું દેવું હોવાનું જણાવ્યું છે. ગુજરાતના ખેડૂતો સતત દેવાદાર થઈ રહ્યાં છે. ગુજરાત કરતાં બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તરાખંડના ખેડૂતોના માથે ઓછું દેવું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત એ કૃષિક્ષેત્રે અગ્રેસર અને 9 ટકાના દરે ગુજરાતનો વિકાસ થતો હોવાના દાવાઓ કરતી ગુજરાત સરકારના દાવાઓ ખોખલા સાબિત થઈ રહ્યાં છે. પંજાબ કરતાં ગુજરાતના ખેડૂતોની આવક વધારે હોવાના કૃષિમંત્રી રાઘવજી પટેલના દાવાઓ વચ્ચે સરકારે ખુલાસો કરવાની જરૂર છે કે ગુજરાતના ખેડૂતોના માથે કેમ દેવું વધી રહ્યું છે. મસમોટી ગાડીઓ લઈને ખેતરે જતા પંજાબના ખેડૂતો કરતાં ગુજરાતના ખેડૂતોની કમાણી વધારે હોય તો દેવું કરવાની કેમ જરૂર પડે છે એ સવાલનો કોઈ પાસે જવાબ નથી. ગુજરાતના ખેડૂતોની આવક વધી રહી છે પણ ખેડૂતોનું દેવું પણ વધી રહ્યું છે. દેશમાં વિકાસશીલ ગણાતા ગુજરાત કરતાં બીજા 5 રાજ્યોના ખેડૂતોનું દેવું એ ગુજરાત કરતાં પણ ઓછું છે. કૃષિક્ષેત્રે અગ્રેસર ગુજરાત રાજ્યના ખેડૂત પરિવારોની હાલત ખરાબ થઈ રહી છે.
કેન્દ્રીય કૃષિમંત્રાલયે તાજેતરમાં જાહેર કરેલા રિપોર્ટમાં દેશભરના ખેડૂતોના દેવાની સ્થિતિ કહેવામાં આવી છે. ગુજરાતમાં બમણી આવક થવાની વાતો માત્ર ગુલબાંગો છે પ્રત્યેક ખેડૂત પરિવારના માથે રૂા.56,568નું દેવું છે. ગુજરાતના ખેડૂતો સતત દેવાદાર થઈ રહ્યાં છે. ગુજરાત કરતાં બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તરાખંડના ખેડૂતોના માટે ઓછું દેવું છે. ગુજરાતમાં ખેડૂતોની આવક વધી છે પણ સામે ખર્ચ પણ વધ્યો છે. હાલમાં બિયારણ, જંતુનાશક દવા, ખાતર સહિતની ચીજવસ્તુઓના ભાવ બમણાં થયા છે. આ ઉપરાંત ખેતમજૂરોની દાડી પણ બમણી થઇ છે. હવે આદિવાસી વિસ્તારમાંથી ખેતમજૂરો આવવા તૈયાર નથી. જેને પગલે ટેક્નોલોજીનો ઉપયોગ કર્યા સિવાય ખેડૂતો માટે છૂટકો નથી. હવે રોજની દહાડી પણ મોંધી થવાની સાથે મજૂરો સમયસર મળતાં નથી એ સૌથી મોટો સવાલ છે. સરકારની કૃષિલક્ષી યોજનાઓ છે, પણ છેવાડાના ખેડૂતો સુધી આ યોજનાનો લાભ પહોંચતો નથી. દર સિઝનમાં ખેડૂતોએ ખેતી માટે લોન લેવી એ ફરજિયાત બની ગઈ છે. ગુજરાતમાં રૂટિન ખેતીમાં આવક ન હોવાથી ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે પણ હવે આ પાકમાં પણ ફુગાવો થયો હોય એમ ખેડૂતોને ભાવ મળી રહ્યાં નથી. સૌથી મોટી સમસ્યા એ બદલાતા હવામાનની છે. જેને પગલે ખેડૂતોના મોંઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ જાય છે. એક રિપોર્ટ મુજબ, ગુજરાતમાં ખેડૂતોએ રૂા.49 હજાર કરોડની બેંક લોનો લીધી છે. આટલું ઓછું હોય તેમ પાક ઉત્પાદન થયા બાદ પોષણક્ષમ ભાવો મળતા નથી. પરિણામે ખેડૂતો દેવાના ભાર તળે દબાઇ જાય છે.(file photo)