પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ છતાંયે હાજરી પત્રક સહિત સ્ટેશનરી સ્કુલોને મળી નથી
ગાંધીનગરઃ પ્રાથમિક શાળાઓમાં 13મી જુનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. પણ તંત્ર દ્વારા હજુ સુધી શાળાઓને સ્ટેશનરી આપવામાં આવી નથી. જેને પરિણામે વિદ્યાર્થીઓ, શિક્ષકોનું હાજરીપત્રક તૈયાર કરવામાં આવ્યું નથી. ઉપરાંત દૈનિક નોંધ પણ નહી આપવાથી તેની કામગીરી કરવામાં આવતી નથી. જ્યારે બાલવાટીકાના ફોર્મ પણ નહી અપાતા બાલવાટીકાના પ્રવેશની કામગીરી અટકી પડી છે. ત્યારે શાળાઓને સત્વરે જરૂરી સ્ટેશનરી પહોંચતી કરવામાં આવે તેવી માગ ઊઠી છે.
ગુજરાતમાં સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 13મી જુનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. આ વર્ષે ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળનું સુચારૂ આયોજનને પગલે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં વેકેશનમાં જ મફત પાઠ્ય પુસ્તકો પહોંચતા કરી દેવામાં આવ્યા હતા. પરંતુ સરકારી પ્રાથમિક શાળાઓમાં મોકલવામાં આવતી સ્ટેશનરી હજુ સુધી આપવામાં આવી નથી. જેને પરિણામે શાળાઓમાં શૈક્ષણિક સત્ર પ્રારંભ થવા છતાં શૈક્ષણિક કામગીરી શરૂ કરવામાં આવી નથી. જોકે પાઠ્ય પુસ્તકોની જેમ જ વેકેશનમાં જ શાળાઓમાં સ્ટેશનરી આપી દેવાનો નિયમ છે.પરંતુ ચાલુ શૈક્ષણિક વર્ષના પ્રારંભમાં જ સ્ટેશનરી વિના જ નવા શૈક્ષણિક સત્રમાં કામગીરી કરવાની પ્રાથમિક શિક્ષકોને ફરજ પડી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સરકારી શાળાઓમાં સ્ટેશનરી પહોંચી કરવાની કામગીરી જિલ્લા પ્રાથમિક શિક્ષણતંત્ર દ્વારા કરવાની હોય છે. પરંતુ તે કામગીરી નિયત સમયમાં કરવામાં નહી આવતા શિક્ષકો વિદ્યાર્થીઓના હાજરી પત્રક બનાવી શક્યા નથી. ઉપરાંત શાળાના આચાર્યો દ્વારા શિક્ષકોનું પણ હાજરીપત્રક બનાવવામાં આવ્યું નથી. ઉપરાંત શિક્ષકો દ્વારા વર્ગખંડમાં કરવાની દૈનિક કામગીરીની નોંધ લખવા માટે દૈનિક નોંધપોથી પણ આપવામાં આવી નથી. આથી શાળાના આચાર્યને કયા ધોરણનો કયો શિક્ષક દિવસ દરમિયાન કેવા પ્રકારનું શૈક્ષણિક કાર્ય કરશે તેની માહિતી રહેતી નથી. જોકે નવી શિક્ષણ નીતિ અંતર્ગત ગત વર્ષથી પ્રાથમિક શાળાઓમાં બાલવાટીકા શરૂ કરવામાં આવી છે. જોકે બાલવાટીકામાં પ્રવેશ માટે શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશફોર્મ છપાવવામાં આવ્યા છે. તેમ છતાં બાલવાટીકાના ફોર્મ પણ શાળાઓને હજુ સુધી મોકલાયા નથી. આથી બાલવાટીકામાં પ્રવેશ માટે આવતા ભૂલકાંઓના ફોર્મ શાળાના આચાર્ય તેમજ શિક્ષકો ભરી શકતા નથી. ત્યારે પ્રાથમિક શાળાઓમાં સ્ટેશનરી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ પહેલાં આપવામાં આવે તેવી માગ ઊઠી છે.