Site icon Revoi.in

નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ છતાંયે ગુજરાત યુનિએ પરીક્ષાના પરિણામો હજુ જાહેર કર્યા નથી

Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની ઘણી યુનિવર્સિટીઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો હોવા છતાંયે ગત સત્રની પરીક્ષાઓના પરિણામો હજુ જાહેર કરવામાં આવ્યા નથી. કોલેજોમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતા જ નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો છે. પરંતુ તેની સાથે સાથે સાયન્સ કોમર્સ લો, સહિતની સ્ટ્રીમના વિદ્યાર્થીઓના પરિણામો જાહેર ન થતાં વિદ્યાર્થીઓની મૂંઝવણમાં મુકાયા છે. જોકે યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર વાઈઝ પરીક્ષા લેવામાં આવતી હોવાથી અભ્યાસક્રમ પૂરો થશે કે નહીં તેની પણ ચર્ચા ઉઠી રહી છે. ત્યારે ગત એપ્રિલ 2024માં લેવાયેલી યુનિવર્સિટીની પરીક્ષાઓનું પરિણામ જોહેર કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓમાં માગ ઊઠી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નવી શિક્ષણ નીતિની અમલવારી ગત શૈક્ષણિક વર્ષથી કરી દેવામાં આવી છે. પરંતુ તેનું યોગ્ય આયોજન કરવામાં શિક્ષણ વિભાગ વામણું પુરવાર થયું હોય તેમ નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઈ ગયું તેમજ કોલેજોમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થઈ ગયું હોવા છતાં હજુ સુધી કોલેજના વિદ્યાર્થીઓનું પરિણામ નહીં આવતા વિદ્યાર્થીઓ મુશેક્લીમાં મુકાયા છે. ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગત એપ્રિલ 2024માં સાયન્સ, કોમર્સ, આર્ટસ, લો સહિતના સ્ટ્રીમની પરીક્ષાઓ લેવામાં આવી હતી. ઉપરાંત ગત 7મેના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કોલેજના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓના કારણે ઉત્તરવહીનું મૂલ્યાંકન સમયસર થઈ શક્યુ નહતું.  ત્યારબાદ ચૂંટણીલક્ષી કામગીરી પૂર્ણ થતા જ કોલેજના શૈક્ષણિક કર્મચારીઓને ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગીરી સોંપવામાં આવી હતી. તેમ છતાં પરીક્ષા લેવાયાને બે માસ જેટલો સમય થવા છતાં હજુ પરિણામ પ્રસિદ્ધ કરવામાં નહીં આવતા ગુજરાત યુનિવર્સિટીની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા તમામ સ્ટ્રીમની પરીક્ષાઓ સેમેસ્ટરવાઈઝ લેવામાં આવતી હોય છે. આથી ચાલુ શૈક્ષણિક વર્ષમાં સેમેસ્ટરની પરીક્ષા આગામી નવેમ્બર કે ડિસેમ્બર-2024 માસમાં આવતી હોવાથી આટલા ટૂંકા ગાળામાં સેમિસ્ટરનો અભ્યાસક્રમ પૂર્ણ થશે કે નહીં તેવા પ્રશ્નો પણ વિદ્યાર્થીઓમાં ઉદભવી રહ્યા છે. ત્યારે નવી શિક્ષણનીતિની અમલવારીની જાહેરાત વચ્ચે શૈક્ષણિક આયોજનનો અભાવ નવી શૈક્ષણિક નીતિની અમલવારીના બીજા જ શૈક્ષણિક વર્ષે જોવા મળી રહ્યો છે.