અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના કૂલપતિની મુદત પૂર્ણ થઈ ગઈ છે, અને નવા કૂલપતિ નિમવા માટેની સર્ચ કમિટીના હજુ કોઈ ઠેકાણા નથી. એટલે હાલના કૂલપતિ નવિન શેઠને કાર્યકારીનો હવાલો સોંપવામાં આવે તેવી શક્યતા છે. જોકે કોંગ્રેસનું વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈએ સર્ચ કમિટીના સત્વરે રચના કરીને વહેલી તકે નવા કૂલપતિની નિમણૂંક કરવામાં આવે તેવી માગ કરી છે.
ગુજરાત ટેકનાલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન અનેક કોલેજોમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. યુનિ. સાથે ઘણીબધી નામાંકિત ઈજનેરી કોલેજો પણ જોડાયેલી છે. પરીક્ષાથી લઈને યુનિનો વહિવટ ઘણો મોટો છે. આ યુનિવર્સિટીમાં કુલપતિની નિમણૂક સરકાર દ્વારા કરવામાં આવે છે. સર્ચ કમિટીની રચના કરીને નવા કુલપતિની પસંદગી કરવામાં આવતી હોય છે, કુલપતિ તરીકે નવીન શેઠનો કાર્યકાળ પૂર્ણ થવાની તૈયારીમાં છે. છતાં રાજ્ય સરપકાર દ્વારા કોઈ સર્ચ કમિટી બનાવવામાં આવી નથી. ત્યારે નવા કુલપતિની નિમણૂક થશે કે નહીં તેને લઈને સવાલ થઈ રહ્યા છે. જોકે, આ મામલે NSUI દ્વારા GTUમાં ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જે તે યુનિવર્સિટીના કુલપતિની ટર્મ પૂરી થવાની હોય તેના 3 મહિના અગાઉ સર્ચ કમિટી બનાવવામાં આવે છે. સર્ચ કમિટી દ્વારા ત્રણ નામની ભલામણ કરવામાં આવે છે. સરકાર દ્વારા ત્રણ નામમાંથી એક નામ ફાઇનલ કરવામાં આવે છે, ત્યારે જીટીયુના કૂલપતિની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં સરકારે હજુ સુધી સર્ચ કમિટીના રચના કરી નથી. જો કે આ માટે GTUના રજિસ્ટ્રારની જવાબદારી બને છે કે તેમને સરકાર સામે સર્ચ કમિટી માટેનો પ્રસ્તાવ મુકવાનો હોય છે, પરંતુ GTUના રજિસ્ટ્રાર કે.એન ખેર દ્વારા સરકારને કોઈ રજૂઆત પણ કરવામાં આવી નથી. આ મામલે NSUI દ્વારા GTUમાં આંદોલન પણ કરવામાં આવ્યું હતું. NSUI દ્વારા રજીસ્ટાર પાસે સર્ચ કમિટી બનાવવા ખુલાસો મંગવામાં આવ્યો છે. જો રજિસ્ટ્રાર ખુલાસો ના આપી શકે તો તેમના રાજીનામાની માંગ કરી છે.
NSUIના નેતા નારાયણ ભરવાડે જણાવ્યું હતું કે, હજુ સુધી નવા કુલપતિ માટે સર્ચ કમિટી બનાવવામાં આવી નથી, તેનો અર્થ એ જ છે કે જૂના કુલપતિની ઇન્ચાર્જ કુલપતિ બનાવીને GTUમાં શાસન કરવામાં આવશે. 3 મહિના અગાઉ કરવાની પ્રક્રિયા હજુ કરવામાં આવી નથી, માટે રજિસ્ટ્રાર પણ આ માટે જવાબદાર છે, તેમને રાજીનામું આપવું જોઈએ. જ્યારે GTUના રજિસ્ટ્રાર કે.એન ખેરે જણાવ્યું હતું કે, સર્ચ કમિટી હજુ બની નથી. સરકાર તરફથી બનાવવાની હોય છે, પરંતુ કોઈ જાણકારી અમને આપવામાં આવી નથી.