રાજ્યના સરકારી તબીબોના પ્રશ્નો ઉકેલવાનો નિર્ણય છતાં અમલવારી નહીં, ફરી આંદોલનના એંધાણ
અમદાવાદઃ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલો સહિતમાં ફરજ બજાવતા તબીબોના પડતર પ્રશ્નોના ઉકેલનો આદેશ થવા છતાં અમલવારી નહી થતાં તબીબોમાં સરકાર સામે અસંતોષ વ્યાપ્યો છે. તેના વિૅરોધમાં મહારેલી સહિતના વિરોધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.. તબીબોએ પોતાના પ્રશ્નો અંગે મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરીને આગામી સમયમાં અમલવારી નહી થાય તો તા. 13મી ડિસેમ્બરના રોજ હડતાલ અને સામુહિક રાજીનામાની ચીમકી તબીબોએ ઉચ્ચારી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની સરકારી હોસ્પિટલો અને મેડિકલ કોલેજો, જીએમઇઆરએસની હોસ્પિટલ અને મેડિકલ કોલેજ, હેલ્થ સર્વિસ, મેડિકલ સર્વિસ અને ડેન્ટલ સર્વિસ તેમજ ઇએસઆઇએસ સર્વિસમાં ફરજ બજાવતા તબિબોના પ્રશ્નો ઉકેલની માંગણી પગલે ગત મે-2021 માસમાં હડતાલનું શસ્ત્ર ઉગામતા રાજ્યના આરોગ્ય વિભાગે તાબડતોડ આદેશ કર્યો હતો. પરંતુ તેને છ-છ માસ જેટલો સમય થવા છતાં અમલવારી નહી કરતા વિરોધ કાર્યક્રમો સમગ્ર રાજ્યભરમાં કરવામા આવી રહ્યા છે. તેમાં કાળીપટ્ટી ધારણ, બ્લડ ડોનેશન કેમ્પ, ધરણાં, કેમ્પસમાં રેલી સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. તેમ છતાં સરકાર દ્વારા હજુ સુધી નક્કર અમલવારી નહી કરાતા તબીબોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે. અને પ્રશ્નોના ઉકેલના વિરોધમાં ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન, જીએમસીએલ-2 મેડિકલ ઓફિસર એસોસિએશન, જીએમઇઆરએસ ફેકલ્ટી એસોસિએશન અને ગુજરાત ઇન સર્વિસ ડોક્ટર એસોસિએશનના તબિબો દ્વારા કાળીપટ્ટી અને મહારેલી સહિતના કાર્યક્રમો યોજવામાં રહ્યા છે. તેમ છતાં ઉકેલ નહી આવતા સોમવારે ગુજરાત સરકારી તબીબ ફોરમે મુખ્યમંત્રીને આવેદનપત્ર દ્વારા રજૂઆત કરી સત્વરે ઉકેલની માંગણી કરી છે. જો આગામી સમયમાં સરકારે જાહેર કર્યા મુજબની અમલવારી કરવામાં નહીં આવે તો 13મી ડિસેમ્બરના રોજ હડતાળ અને સામુહિક રાજીનામાં આપી દેવાશે. (file photo)