અમદાવાદઃ લોકસભાની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ઉચ્ચારણોને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગણી કરી રહ્યો છે. તેની સામે ભાજપ મક્કમ રહેતા રૂપાલાએ મંગળવારે વાજતે-ગાજતે ઉમેદવારી નોંધાવી છે. બીજીબાજુ ક્ષત્રિય આગેવાની બેઠક મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળી હતી. પણ ક્ષત્રિય આગેવાનોએ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગણી સાથે મક્કમ રહ્યા હતા. હવે ક્ષત્રિય સમાજ પાર્ટ-2ની રણનીતિ તૈયાર કરશે.
રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ નમતું જોખવા તૈયાર નથી. રાજકોટ ખાતે મળેલા ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિયોનો રોષ અને અડગ માગને જોયા બાદ રાજ્ય સરકારે મોડી રાત્રે ક્ષત્રિય આગેવાનોને સરકાર સાથે વાતચીત કરવા માટે જણાવ્યું હતું. જો કે, રાજ્ય સરકાર સાથે બેઠક કર્યા પહેલાં રાજપૂત સંકલન સમિતિના તમામ આગેવાનોની અમદાવાદના ગોતા ખાતે રાજપૂત ભવનમાં મહત્ત્વની બેઠક મળી હતી. ત્યાર બાદ તમામ આગેવાનો ગાંધીનગર મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠક કરવા પહોંચ્યા હતા. લગભલ 1 કલાકથી વધુ સમય સુધી સંકલન સમિતિના આગેવાનો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ તેમજ ભાજપ ક્ષત્રિય આગેવાનો બેઠક ચાલી હતી. જો કે, રાજપૂત સંકલન સમિતિના આગેવાનો સાથેની બેઠક મોડી રાત્રે 2 વાગ્યે પૂર્ણ થઈ હતી. રાજપૂત સંકલન સમિતિ અને મુખ્યમંત્રી સાથે યોજાયેલી બેઠકમાં રૂપાલાની ઉમેદવારી રદ કરવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. બીજી બાજુ ક્ષત્રિય સમાજ પોતાની માગ ઉપર અડગ રહ્યો છે.
દરમિયાન ક્ષત્રિય સમાજના અગ્રણી કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, રાજપૂત સંકલન સમિતિની બેઠક મળી હતી. પાર્ટ-2 બાબતે રણનીતિ નક્કી કરવાની હતી. ક્ષત્રિય સમાજની એક જ માગ છે કે, રૂપાલાની ટિકિટ રદ કરો. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અમે તમારી વાત હાઇ કમાન્ડ સુધી પહોંચાડીશું. તમે ખૂબ જ સંયમ રાખ્યો છે. તૃપ્તિબા રાઉલે જણાવ્યું હતું કે, રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવામાં આવે અને બીજી વાતનો હવે કોઈ અવકાશ જ નથી,
.