અમદાવાદઃ શાળા-કોલેજોમાં હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે. શાળાઓમાં વેકેશન હોવા છતાં કેટલીર ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો દ્વારા ધો.10-12ના વર્ગો શરૂ કરવાની તૈયારી કરી છે. પરંતુ શહેરના શિક્ષણાધિકારીએ સ્પષ્ટ જણાવ્યું છે કે, જો કોઇ સ્કૂલ વેકેશનમાં વર્ગો શરૂ કરશે તો સંચાલકો સામે કડક કાર્યવાહી કરાશે. દિવાળીનું વેકેશન 21 નવેમ્બર સુધી રહેશે, 22 નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવાનો આદેશ સરકારે આપ્યો છે. તેમ છતાં ઘણી સ્કૂલોએ નિયમનું ઉલ્લંઘન કરીને સ્કૂલો શરૂ કરવાની તૈયારી રૂપે શિક્ષકોને સ્કૂલે આવવાની સૂચના આપી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં કેટલીક ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓએ ધો.10 અને 12ના વર્ગો શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ પોતાના શિક્ષકોને મેસેજ કર્યા છે કે, આગામી એક-બે દિવસમાં સ્કૂલો શરૂ કરવાની છે. ઉપરાંત ઘણી સ્કૂલોએ ધો.10થી 12ના વર્ગો શરૂ કરી દીધા છે. શિક્ષણ વિભાગ જાણતું હોવા છતાં પગલાં લેવાતા નથી. જો શિક્ષણ વિભાગ ઇચ્છે તો સ્કૂલોના સીસીટીવી ચેક કરી હકીકત સામે લાવી સ્કૂલો સામે કડક કાર્યવાહીનો દાખલો બેસાડી શકે છે. દરમિયાન શહેરના શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, જે સ્કૂલ વેકેશન દરમિયાન વર્ગ શરૂ કરશે તેની સામે કડક કાર્યવાહી કરાશે. સરકારે 21મી સુધી વેકેશન જાહેર કર્યું છે, તો દરેક સ્કૂલોએ સરકારના આદેશનું પાલન કરવું જોઇએ.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારે 21મી નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કર્યું હોવાથી ઘણાબધા વાલીઓ પોતાના બાળકો સાથે ફરવા માટે કે પોતાના વતનમાં ગયા છે. વાલીઓએ વેકેશન પ્રમાણે બહારગામ જવાનું આયોજન કરી દીધુ હતું. હવે શાળાઓ શરૂ કરવાના મેસેજ આવતા વાલીઓએ પ્રવાસ અધૂરો મુકીને પરત આવવું પડશે.