અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદ શહેરમાં રખડતા ઢોરના મુદ્દે મ્યુનિ.કોર્પોરેશને રખડતા પશુઓને નિયંત્રણ રાખવા માટે ઢોર પોલિસી જાહેર કરી હતી. ઢોર નિયંત્રણ પોલિસીને અમલીકરણ કરતા પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર નિયંત્રણ ત્રાસ અંકુશ વિભાગ (CNCD)એ પશુપાલકોને પોલીસી અંગે સમજ આપી હતી. જેને લઈને જુલાઈ મહિનામાં 1281 જેટલા ઢોર પકડ્યા હતા. જોકે રોજના 50થી પણ ઓછા ઢોર પકડવામાં આવતા મ્યુનિ.ના CNCD વિભાગની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. ઢોર નિયંત્રણ પોલિસી અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઢોર માલિકો અને સમજણ પણ આપવામાં આવી રહી છે. છતાં પણ રોજના અનેક ઢોર રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા રખડતા ઢોર પકડવાની ઝૂંબેશ આદરવામાં આવી છે. રખડતા ઢોર અંગે કડક પોલીસી બનાવ્યા બાદ પણ પશુપાલકો કોઈને ગાંઠતા નથી. અને ઢોરને રોડ પર છોડી દેવામાં આવે છે. એટલે ફરીવાર રખડતા ઢોરનો ત્રાસ શરૂ થઈ ગયો છે. મ્યુનિ.ના CNDC વિભાગ દ્વારા ઢોર નિયંત્રણ પોલિસી અંતર્ગત ઢોર માલિકોને ઢોર નિયંત્રણ પોલિસી અંગે જાણ કરવામાં આવી રહી છે. CNCD વિભાગનો હવાલો સંભાળવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિહિર પટેલે જણાવ્યું હતું કે, રખડતા ઢોર નિયંત્રણ પોલિસી 2023 અંતર્ગત વ્યાવસાયિક અથવા વ્યક્તિગત પશુ રાખવા માટે થઈને પરમીટ-લાયસન્સ લેવું ફરજિયાત છે. પોતાની માલિકીની જગ્યામાં જ ઢોર રાખી શકાશે. RFID રજિસ્ટ્રેશન ફરજિયાત છે. સમગ્ર બાબતો અંગે સમજણ આપવામાં આવી રહી છે. ઢોર નિયંત્રણ પોલીસી લાગુ કરવામાં આવી રહી છે. જેમાં સેન્ટરો ઉપર ઢોર માલિકો દ્વારા રજીસ્ટ્રેશનથી લઈને લાયસન્સ-પરમીટ મેળવવા માટે થઈને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા સોફ્ટવેર તૈયાર કરવામાં આવી રહ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, મ્યુનિ.ના સ્માર્ટ સીટી કંટ્રોલરૂમ મારફતે પશુઓના હોટસ્પોટની માહિતી અને ફોટો મોકલવામાં આવ્યા હતા. તેના આધારે એક વર્ષમાં 2582 જેટલા ઢોર પકડવામાં આવ્યા છે. જાહેર સ્થળો અને રોડ ઉપર કુલ 126 જેટલી જગ્યાઓ ઉપર એલઇડી સ્ક્રીન મારફતે રખડતા ઢોર નિયંત્રણ પોલિસી અંગે પશુ માલિકોને નોટિસ બાબતેની માહિતી આપવામાં આવી રહી છે. 6330 જેટલા પશુ માલિકોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રખરતા ઢોર નિયંત્રણ પોલિસી 2023 અંગે ફોન અને મેસેજ કરી અને માહિતી આપવામાં આવી છે. આમ મ્યુનિ. દ્વારા રખડતા ઢોર નિયંત્રણ પોલિસી જાહેર કરવામાં આવી છે. તેમ છતાં પણ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. પોલિસીની જાહેરાત બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર નિયંત્રણ ત્રાસ અંકુશ વિભાગની (CNCD) કામગીરી સાવ નબળી પડી ગઈ છે. રોજના 50થી પણ ઓછા ઢોર શહેરમાંથી પકડવામાં આવી રહ્યા છે. શહેરના એક પણ એવો વિસ્તાર નથી કે જ્યા બીજા દિવસે ઢોર રોડ ઉપર દેખાતા ન હોય. રોડની વચ્ચે જ ઢોર અડ્ડો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે. તેમ છતાં પણ CNCD વિભાગની ટીમ આવા ઢોર પકડવામાં નબળી સાબિત થઈ છે. (File photo)