Site icon Revoi.in

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનની સામાન્ય સભામાં HCનો ઓર્ડર છતાં કોંગ્રેસી કોર્પોરેટરને પ્રવેશ ન અપાયો

Social Share

રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનની સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલ ભારાઈને હાઈકોર્ટનો ઓર્ડર છતાં પ્રવેશ ન અપાતા વિવાદ ઊભો થયો છે. અગાઉ પક્ષપલટાને લીધે મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. અને ત્યારબાદ બન્ને સભ્યો કોંગ્રેસમાં પરત આવી જતાં ગેરલાયક ઠરાવવાનો મુદ્દો હાઈકોર્ટે રદ કર્યો હતો. બન્ને કોંગ્રેસના કોર્પોરેટર તરીકે ચાલુ છે. પરંતુ મ્યુનિ.ના સત્તાધિશોના કહેવા મુજબ વિકાસ કમિશનર જવાબ મળ્યો નથી.એટલે જનરલ બોર્ડમાં પ્રવેશ અપાયો નથી.

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની કચેરીમાં  ગુરૂવારે જનરલ બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રવેશ મેળવવા માટે કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલ ભારાઈ દ્વારા પ્રથમ સેક્રેટરીને અને ત્યારબાદ મેયરને રજૂઆત કરી હતી. જોકે શહેરી વિકાસ વિભાગની મંજૂરી ન હોવાનું જણાવી તેમને પ્રવેશ અપાયો નહોતો. આમ છતાં વશરામ સાગઠિયાએ પ્રવેશ કરવાની કોશિશ કરતા તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. જેને લઈને વશરામ સાગઠિયાએ ‘ભાજપ સરકાર સામે નારા લગાવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ આરએમસીની કચેરીમાં સવારે 11 વાગ્યે જનરલ બોર્ડની બેઠક શરૂ થાય તે પહેલાં 10 વાગ્યે જ કોંગ્રેસના નગર સેવક વશરામ સાગઠિયા અને કોમલ ભારાઈ કોર્પોરેશન કચેરીએ આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે સેક્રેટરીની સાથે ચર્ચા કરી હતી અને હાઇકોર્ટનો ઓર્ડર બતાવીને જનરલ બોર્ડમાં પ્રવેશની મંજૂરી માંગી હતી. સેક્રેટરીએ આ માટેનો ઇનકાર કરતા તેઓ મેયર પાસે પહોંચ્યા હતા. જ્યાં મેયરે પોતાની ચેમ્બરમાં બેસવાનું કહ્યું હતું, પરંતુ ત્યાં આવવાને બદલે જનરલ બોર્ડમાં ચાલ્યા જતા જ વશરામ સાગઠિયાએ બોર્ડમાં જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ બોર્ડમાં જાય તે પહેલાં જ પોલીસ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી હતી. વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર મારા સવાલોથી ડરતી હોવાના કારણે મને બોર્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી. શહેરી વિકાસના જે અધિકારીએ અમને ગેરલાયક ઠેરવ્યા તે અધિકારીનો હુકમ મેં ગઈકાલે રૂબરૂ જઈને મેળવ્યો હોવા છતાં પણ અમને જનરલ બોર્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી. ભાજપનાં સતાધીશો દ્વારા પોલીસ તંત્રનો દુરૂપયોગ કરી મારી અટકાયત કરવામાં આવી છે. આ લોકશાહીનું અપમાન છે. ગેરબંધારણીય રીતે અમને પ્રવેશ કરતા અટકાવવામાં આવ્યા છે. જે જરાપણ યોગ્ય નથી. આવનારા સમયમાં હું આ મુદ્દે મેયર અને સેક્રેટરી સહિત મને રોકનારા અને મારી કોર્પોરેટર તરીકેની ફરજમાં પણ રુકાવટ કરી હાઇકોર્ટનાં ઓર્ડરનો અનાદર કરનારા બધા સામે કંટેમ્પટ ઓફ કોર્ટનો દાવો કરીશ.

આ અંગે આરએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, વશરામ સાગઠીયા બોર્ડમાં હાજર રહી શકે કે કેમ તે બાબતે અમે વિકાસ કમિશનરને પત્ર લખ્યો હતો. ગત તારીખ 1 માર્ચના રોજ મ્યુનિ દ્વારા વિકાસ કમિશનરને પત્ર લખવામાં આવ્યો હતો. વિકાસ કમિશનરનો હજી સુધી જવાબ આવ્યો નથી, જેના કારણે વશરામ સાગઠીયાને જનરલ બોર્ડમાં બેસવા દેવામાં આવ્યા નથી.