Site icon Revoi.in

શંખેશ્વરમાં લાખો પ્રવાસીઓની અવર-જવર છતાં એસટી બસ સ્ટેન્ડમાં પુરતી સુવિધા નથી,

Social Share

શંખેશ્વરઃ જૈનોનું સુપ્રસિદ્ધ તિર્થસ્થાન પાટણ જિલ્લાના શંખેશ્વરમાં આવેલું છે. વર્ષે દહાડે લાખો જૈન યાત્રિકો દેશ-વિદેશથી આવતા હોય છે. શંખેશ્વરમાં બસ સ્ટેન્ડ તો છે, પણ પાયાની સુવિધાઓ જ નથી. બસ સ્ટેન્ડમાં આવતા યાત્રિકોને જો બાથરુમ જવું હોય તો પણ ખુલ્લામાં જવું પડે છે. એસટી બસ સ્ટેન્ડમાં પીવાના પાણી કે બેસવા માટે બાકડાંની સુવિધા પણ નથી. બસ સ્ટેન્ડ પર પતરાનું સિલિંગ છે. આમ બસ સ્ટેન્ડમાં કોઈપણ સુવિધા નથી. નવું એસટી બસ સ્ટેન્ડ બનાવવાનું આયોજન તો કરાયું હતું પણ નવા બસ સ્ટેન્ડ માટેની કામગીરી પણ ડખે ચડી છે. નવા બસ સ્ટેન્ડ માટે લાવેલો સામાન પણ કાટ ખાઇ રહ્યો છે, તો કેટલોક સામાન  ચોરાઈ પણ થઇ ગયો છે. ત્યારે વહેલી તકે નવુ બસ સ્ટેન્ડ બને તેવી સ્થાનિકો અને જૈન તિર્થે આવતા દર્શનાર્થીઓ માંગ કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ જૈનોનાં યાત્રાધામ શંખેશ્વરમાં નવીન બસ સ્ટેન્ડ માટે અનેક વખત ખાતમુહૂર્ત થયા, પરંતુ છેલ્લા 15થી 20 વર્ષથી નવા બસસ્ટેન્ડનું કામ ડખે ચઢ્યું છે. થોડા સમય પહેલા અહીં આવેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની શંખેશ્વર મુલાકાત દરમિયાન લોકોને નવીન બસ સ્ટેન્ડ માટેની અપાયેલી હૈયાધારણા પણ પોકળ સાબિત થઇ છે. શંખેશ્વરમાં પર્યુષણના સમયે હજારો-લાખો જૈન યાત્રિકો આવતા હોય છે. છતાં આ શંખેશ્વર જૈન તીર્થમાં આવતા મુસાફરો માટે આવવા જવા માટે સારું બસ સ્ટેન્ડ નથી. હાલમા દરેક શહેરમાં એક આઇકોનિક બસસ્ટેન્ડની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે, ત્યારે જૈન તીર્થ સમાન શંખેશ્વરમાં વર્ષો જુનું જર્જરિત એસટી બસસ્ટેન્ડ છે. જેમાં પ્રવાસીઓ માટેની કોઈ જ સુવિધા નથી. નવું બસસ્ટેન્ડ બનાવવા માટે વર્ષો પહેલા ખાતમૂહુર્ત પણ કરાયું હતું. પણ કોઈ કારણોસર કામ અટકાવી દેવાયું હતુ. નવીન બસ સ્ટેન્ડની ખાતમૂહુર્ત વિધિ બાદ સ્થળ પર ઉતારવામાં આવેલો બાંધકામ માટેનો માલ સમાન પણ હાલમાં ધૂળ ખાઇ રહેલો જોવા મળી રહ્યો છે. ત્યારે નવીન બસ સ્ટેન્ડનો જે પણ વિવાદ હોય તેને તંત્ર દ્વારા નિરાકરણ લાવી તાત્કાલિક ધોરણે શંખેશ્વર ખાતે તમામ પ્રકારની સુવિધાઓ સાથેનું આઇકોનિક બસ સ્ટેન્ડ વહેલામાં વહેલી તકે નિમૉણ પામે તેવી માંગ જૈન યાત્રાળુઓ સહિતના મુસાફરો ઈચ્છી રહ્યા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં અધતન સુવિધા સાથેનાં બસ સ્ટેન્ડ ઉભા કરવામાં આવ્યા છે, ત્યારે જૈન સમાજના આસ્થા કેન્દ્ર સમા શંખેશ્વર ખાતે બસ સ્ટેન્ડની સુવિધા નથી. જેને લઇને જૈન સમાજનાં લોકોની લાગણી દુભાય રહી છે. ત્યારે આ જૈન સમાજનાં તિથૅ સમા શંખેશ્વરમાં યાત્રિકોને ધ્યાનમાં રાખીને બસ સ્ટેન્ડની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવે તેવી  માંગ ઊઠી છે.