અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની બે તબક્કે યોજાનારી ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મતદારોને રિઝવવા એડીચોટીનું જોર લગાવ્યું છે. ભાજપે તો ઝંઝાવાતી પ્રચાર શરૂ કરી દીધો છે. રાષ્ટ્રીય નેતાઓના ધાડા પ્રચાર માટે ઉતરી પડ્યા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ ગામેગામ પ્રચાર કરી રહી છે. પરંતુ હજુ ચૂંટણીને લઈને મતદારોમાં કોઈ જ ઉત્સાહ જોવા મળતો નથી. મતદારોમાં નિરસતા જોઈને રાજકીય પક્ષો પણ ચિંતા કરવા લાગ્યા છે. જાહેર સભાઓમાં ભીડ ભેગી કરવા ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. કોંગ્રેસ ગત વિધાનસભાની ચૂંટણી જે બેઠક પર જીતી હતી તે બેઠકો પર ભાજપ વધારે જોર કરી રહી છે. વડાપ્રધામ નરેન્દ્ર મોદી ગુજરાતના ચૂંટણીના પ્રચાર માટે આવી રહ્યા છે. જેમાં અમરેલીમાં મોદીની 20મી નવેમ્બરે જનસભા યોજાશે. જ્યારે મોદીની જનસભા બાદ તે જ સ્થળે 22મી નવેમ્બરે કોંગ્રેસના રાહુલ ગાંધીની જનસભા યોજાશે.
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠકોની ચૂંટણી માટે ગુરુવારે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચાયા પછી હવે ચિત્ર સ્પષ્ટ થયું છે. આજે શુક્રવારથી પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો લોકોની વચ્ચે જઈ રહ્યાં છે. આગામી 20મી નવેમ્બરે કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં વડાપ્રધાન મોદીની જંગી રેલી યોજાશે. જ્યારે એ જ જગ્યાએ 22મી નવેમ્બરે રાહુલ ગાંધીની પણ રેલી યોજાશે. બંને દિગ્ગજ નેતાઓની રેલીથી અમરેલીની આસપાસની 24 બેઠકો પર સીધી અસર થવાની શક્યતાઓ રાજકીય નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરી રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાજપે પ્રચારના ભાગરૂપે 89 બેઠક પર કેન્દ્રીય નેતાઓને ઉતારવા માટેની રણનીતિ બનાવી છે. રાજ્યમાં 14 કેન્દ્રીય નેતા 46 જનસભા ગજવશે, ઉપરાંત રાજ્યના 14 સ્ટારપ્રચારક 36 મતવિસ્તારોમાં સભાઓ સંબોધશે. કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠક પર પ્રચાર માટે આજે ભાજપનું કાર્પેટ બોમ્બિંગનો પ્રારંભ કરાયો છે.ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ જનસભા સંબોધી રહ્યા છે.. ભાજપે શક્તિપ્રદર્શન કરતા એકસાથે 89 દિગ્ગજ નેતાને ગુજરાતમાં પ્રચાર માટે બોલાવવામાં આવી રહ્યા છે. ભાજપે ચૂંટણીના મેદાનમાં નેતાઓની ફોજ ઉતારવાનું આયોજન કર્યું છે, જેમાં પીએમ નરેન્દ્ર મોદી , કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા જેપી નડ્ડા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ તથા યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિતના નેતાઓની જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ ગુજરાતમાં ભાજપ માટે કેમ્પેઇન કરશે