Site icon Revoi.in

ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ છતાં મેઘરાજા મન મુકીને વરસતા નથી

Social Share

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં જુલાઈના પ્રથમ બે-ત્રણ દિવસ છૂટા-છવાયા ઝાપટાં પડ્યા બાદ વરસાદએ વિરામ લીધો છે, છેલ્લા ત્રણ દિવસથી ઘનઘોર વાદળો છવાયા છે,  બફારો પણ અનુભવાય રહ્યો છે. પરંતુ મેઘો મનમૂકીને વરસતો નથી અષાઢી બીજના દિને આખો દિવસ આકાશ ઘટાટોપ વાદળોથી છવાયેલું રહ્યું અને સાંજ ઢળતા જ લોકોને આશા બંધાઈ હતી કે, ધોધમાર વરસાદ પડશે, પરંતુ આ આશા ઠગારી નિવડી હતી, અને ભાવનગર જિલ્લો કોરો ધાક રહ્યો હતો. તાપમાનનો પારો 35-36 ડિગ્રી રહેતા ગરમીમાં પણ વધારો થયો હતો.

ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદના છૂટા-છવાયા ઝાપટાં પડ્યા બાદ છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં તો હજુ વાવણી લાયક વરસાદ પડ્યો નથી. ખેડુતો મેઘરાજાની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા છે. અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ઉકળાટ અનુભવાય રહ્યો છે. ગઈકાલે અષાઢી બીજે ઘોઘમાર વરસાદ તૂટી પડશે એવું વાતાવરણ સર્જાયુ હતું. પણ વરસાદ પડ્યો નહોતો. ગઈ તા.5 જુલાઈના રોજ મહતમ તાપમાન 33.6 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યૂનતમ તાપમાન 26.8 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણ માં ભેજનું પ્રમાણ 95 ટકા નોંધાયું હતું અને 22 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. તા.6 જુલાઈના રોજ મહતમ તાપમાન 35.1 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યૂનતમ તાપમાન 25.2 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણ માં ભેજનું પ્રમાણ 66 ટકા નોંધાયું હતું અને 24 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.તા.7 જુલાઈના રોજ મહતમ તાપમાન 35.9 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યૂનતમ તાપમાન 28.1 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણ માં ભેજનું પ્રમાણ 55 ટકા નોંધાયું હતું અને 26 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.આમ તાપમાન પણ સરેરાશ કરતા ઊચું નોંધાયું હતું.