અમદાવાદઃ રાજ્યના મુખ્યપ્રધાને ખાનગી અને સરકારી ઓફિસોમાં 50 ટકા સ્ટાફ સાથે કામ કરવાની અપિલ કર્યા બાદ અમદાવાદના મ્યુનિ. કમિશનરે પણ વારંવાર સૂચના આપવા છતાં પણ શહેરમાં અનેક ઓફિસમાં 50 ટકા કરતાં વધારે સ્ટાફને બોલાવાય છે. મ્યુનિ. દ્વારા વધુ સ્ટાફ બોલાવતા ચાર જેટલા એકમોને સીલ કરવામાં આવ્યા છે. મ્યુનિ.ના ટેક્સ વિભાગ અને એટીએસની સંયુક્ત ટીમ દ્વારા શહેરના અલગ અલગ ઝોનમાં 275 જેટલી ખાનગી ઓફિસમાં સ્ટાફની હાજરીનું ચેકિંગ કરાયું હતું. જેમાં ચાર ઓફિસમાં 50 ટકાથી વધુ સ્ટાફની હાજરી હોવાનું જણાઈ આવ્યું હતું. જેના કારણે મ્યુનિ.એ ઓફિસને સીલ કરી હતી.
અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે ખાનગી એકમો સરકારની ગાઈડલાઈનનું પાલન કરતા નથી. 50 ટકા કર્માચારીઓને નોકરી પર બોલાવવાની કડક સુચના આપવામાં આવી હોવા છતાં તેનો અમલ કરાતો નથી. તેથી મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓએ ચેકિંગ હાથ ઘર્યું હતું. આજે સૌથી વધારે મધ્યઝોનમાં 85 ઓફિસ, ઉ.પશ્ચિમની 52 ઓફિસ, દ.પશ્ચિમઝોનની 24, પૂર્વઝોનની 37 ઓફિસ, પશ્ચિમ ઝોનમાં 28 ઓફિસ, દક્ષિણ ઝોનમાં 14 ઓફિસ અને ઉત્તરઝોનમાં 35 ઓફિસોની તપાસ હાથ ધરી હતી. જેમાં મધ્યઝોનમાં બે પૂર્વઝોન અને દક્ષિણઝોનની 1-1 ઓફિસ મળી કુલ 4 ઓફિસોમાં 50 ટકા કરતાં વધારે સ્ટાફ હોવાનું જણાઇ આવ્યું હતું. તેમની સામે નિયમ મુજબની કામગીરી કરવામાં આવી હતી.