Site icon Revoi.in

તળાજા તાલુકામાં વિશાળ સમુદ્ર તટ, અનેક રમણીય સ્થળો હોવા છતાં પર્યટન ક્ષેત્રે વિકાસ થયો નથી

Social Share

ભાવનગરઃ જિલ્લાના તળાજા તાલુકામાં પ્રવાસીઓને આકર્ષી શકે એવા રમણીય સ્થાનો આવેલા છે. જિલ્લામાં સૌથી વધુ સમુદ્ર સીમા ધરાવતો તળાજા તાલુકો ખેતીક્ષેત્રે સમૃધ્ધ હોવા છતા રાજયનાં છેવાડે આવેલો હોઇ અનેક વિધ કારણોસર સામાજીક, આર્થિક અને રોજગારી ક્ષેત્રે અલ્પ વિકસીત રહયો છે. ત્યારે આ વિસ્તારનાં પુરાતનીય, ઐતિહાસીક, ધાર્મિક સ્થાનકો અને સમુદ્ર તટ પ્રદેશની વિવિધતા, સુંદરતા સભર ભૌગોલીક રચનાને કારણે આ તાલુકો પર્યટન ઉદ્યોગ વિકાસ માટે અનેક સાનુકુળ પરિબળો ધરાવે છે જેથી હાલના સમયમાં વિશાળ સમુદ્રતટ ધરાવતા તળાજા તાલુકામાં પર્યટન ઉદ્યોગના વિકાસની પ્રબળ સંભાવના રહેલી છે.

સમઘાત આબોહવાળા આ વિસ્તારમાં તાલધ્વજગિરિ પરનાં પ્રાચિન જૈન તિર્થ સ્થાનો, બૌધકાલીન ગુફાઓ, દાઠા, જૈન તિર્થ ક્ષેત્રને કારણે દેશ વિદેશમાંથી યાત્રીકોનો પ્રવાહ સતત રહયા કરે છે. તળાજા તાલુકાનાં મીઠી વીરડીથી મેથળા સુધીનાં દરિયા કાંઠાને અડીને પથરાયેલો 237 ચો.કિ.મી નો ખડકાળ અને સિધ્ધનાથ જેવા શિવતિર્થો, ઉંચા કોટડા, શકિતતિર્થ, રાજેશ્વર મહાદેવ (રોજીયા) જેવા શ્રધ્ધેય તિર્થ સ્થાનોમાં લાખો યાત્રીકો શ્રધ્ધાળુઓ વારે-તહેવારે ઉત્સવો માણવા અને કુદરતનું સાંનિધ્ય મેળવવા ઉમટી પડે છે. પ્રકૃતિએ આ વિસ્તારમાં ચોમેર પ્રદુષણ રહિત, શાંત, સૌદર્ય વેર્યું છે. એવા વિશિષ્ટ પ્રદેશમાં બારેય માસ પ્રવાસીઓ, જીજ્ઞાસુ પર્યટકોને આકર્ષવા ખાસ આયોજન કરી આ વિસ્તારનાં યાત્રિક વિશ્રામ, ઉતારા, રસ્તાઓ, સહીત પર્યટનીય હેતુ સભર આંતર માળખાકિય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તો તળાજા તાલુકો હરવા-ફરવાનાં અજોડ સ્થાન તરીકે પ્રગતિ કરી શકે છે.

તળાજા તાલુકાના અડધાથી વધુ વસતી ધરાવતા આ વિસ્તારનાં મોટા ભાગના શ્રમજીવી પરિવારો રોજી રોટીની શોધમાં અન્યત્ર ભટકતું જીવન ગાળે છે. આ સંજોગોમાં પર્યટન ઉદ્યોગો સ્થપાશે તો વિકાસ તો અવશ્ય થશે સાથો સાથ અનેક પરિવારોને રોજી રોટી મળતી થશે દરિયા કાંઠાનાં લોકોનો સ્થાયી વિકાસ થશે અને વેપાર ધંધાને પ્રોત્સાહન મળશે.