Site icon Revoi.in

અમદાવાદમાં નિરાધારો રેનબસેરાનો ઉપયોગ કરતા નથી, અસામાજિક પ્રવૃતિ થતી હોવાનો આક્ષેપ

Social Share

અમદાવાદઃ શહેરમાં નિરાધાર લોકોને માટે મ્યુનિ.દ્વારા રેનબસેરા બનાવવામાં આવ્યા છે. ઠંડી. ગરમી કે વરસાદની સીઝનમાં નિરાધાર લોકો રેનબસેરામાં જઈને આશરો મેળવતા હોય છે. વિવિધ વિસ્તારોમાં રોડ પર, ફુટપાથ અને જાહેર જગ્યાઓએ રહેતા નિરાધાર લોકોને આશ્રય મળી રહે તે માટે વિવિધ વોર્ડમાં કુલ 29 રેનબસેરા બનાવવામાં આવ્યા છે. જેમાં મોટાભાગના રેનબસેરા શહેરના ઓવરબ્રિજની નીચે બનાવવામાં આવ્યા છે. જેના કારણે તેનો ઉપયોગ ઓછો થઈ રહ્યો છે અને 50 ટકા રેનબસેરાનો ઉપયોગ જ થતો નથી.શહેરમાં  29માંથી 9 જેટલા જ આશરે ગૃહ રાત્રિ આશ્રય છે બાકીના રેનબસેરા આખા દિવસ દરમિયાન માટે છે પરંતુ તેનો ઉપયોગ જ નથી થતો અને અસામાજિક તત્વોના અડ્ડા રેનબસેરા બની ગયા છે. એવો આક્ષેપ વિપક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિ.ના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે, શહેરના વિવિધ વિસ્તારોમાં જે રેનબસેરા બનાવવામાં આવ્યા છે, તેનો ઉપયોગ યોગ્ય રીતે થતો નથી. જે રેનબસેરા બનાવવામાં આવ્યા છે તેમાના મોટા ભાગના રેનબસેરા ઓવર બ્રિજની નીચે આવેલી જગ્યામાં હોવાથી તેનો ઉપયોગ ઓછો થાય છે. હાલમાં જે રેનબસેરા બનાવવામાં આવ્યા છે તે જ્યાં ખરેખર જરૂરી છે જ્યાં તેનો મહત્તમ ઉપયોગ થઇ શકે તેવી જગ્યાએ ના હોવાથી તે બનાવવા પાછળનો હેતુ પૂરો થતો નથી. ખરેખર તો રેનબસેરા સરકારી હોસ્પીટલો, બસ ડેપો તથા ખાનગી હોસ્પીટલો પાસે હોવા જોઇએ જેથી નિરાધાર લોકો તેનો વધુ ઉપયોગ સરળતાથી કરી શકે. 52 કરોડના ખર્ચે નવા 8 રેનબસેરા બનાવવાનું આયેજન છે તેમાં કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી છે કે, નવા રેનબસેરા મહત્તમ ઉપયોગ થઇ શકે તેવી જગ્યાએ બનાવવા જોઇએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં રેનબસેરામાં આશ્રય લેતા લોકો માટે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ ગાદલા, આશીકું, ધાબળો, ચાદ૨ તેમજ શૌચાલય અને નહાવા ધોવાની સગવડ હોવા જરૂરી છે. તે માટે વિવિધ એન.જી.ઓ.ને કામગીરી સોંપવામાં આવી છે. ત્યારબાદ કોર્પોરેશન તંત્ર કે શાસકોએ કોઇ ધ્યાન નહી આપતા આજે ઘણા રેનબસેરા અસામાજીક તત્વોનો અડ્ડો બની ગયું છે. શાસક પક્ષ ભાજપ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સૌનો સાથ સૌનો વિકાસ જેવા વિવિધ રૂડાં રૂપાળા અને બોલવામાં સારા લાગે તેવા સુત્રો દ્વારા તેમજ તેની જાહેરાતો પાછળ, કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. બીજીતરફ અમદાવાદ શહેરમાં નિરાધાર લોકોની સુવિધાઓ બાબતે અવગણના થતી હોય ત્યારે અપમાનજનક અને ધોર અવગણનાની સ્થિતિ ઉભી થઇ હોય તેવુ લાગે છે.