વિકાસના નામે વૃક્ષોનો વિનાશઃ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સાબરમતીથી વટવા સુધી 4000 વૃક્ષો કપાશે
અમદાવાદઃ શહેરમાં વિકાસના કામોને લીધે અડચણરૂપ બનતા લીલાછમ ઘટાદાર વૃક્ષોનો સોથ વળી ગયો છે. અગાઉ બીઆરટીએસ કોરીડોર બનાવવા અનેક વૃક્ષોનું છેદન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મેટ્રો રેલ પ્રોજેક્ટને લીધે પણ અનેક વૃક્ષો નિકંદન નિકળી ગયું હતું. હવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે એનએચએસઆરસીએલ દ્વારા સાબરમતીથી વટવા સુધીના રૂટમાં લગભગ 4 હજાર જેટલા વૃક્ષો હટાવવામાં આવશે. પર્યાવરણની જાળમણીના ભાગરૂપે એનએચએસઆરસીએલ દ્વારા 90 સેન્ટીમીટરથી વધુ ઘેરાવવાળા વૃક્ષોને કાપી દેવામાં આવશે. જ્યારે ઓછા ઘેરાવવાળા વૃક્ષોને અન્યત્ર ખસેડી ફરીથી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં 700 જેટલા વૃક્ષોનું ફરીથી ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદથી મુંબઈ સુધીના રૂટ પર 60 હજારથી વધુ વૃક્ષો હટાવવામાં આવશે. જો કે પર્યાવરણની જાળવણીના ભાગરૂપે એનએચએસઆરસીએલ દ્વારા એક વૃક્ષની સામે 10 વૃક્ષ વાવવા રેલવે, મ્યુનિ. કોર્પોરેશન સહિત અન્ય સ્થાનિક તંત્રને 25 હજાર રૂપિયા ચુકવવામાં આવશે. સાબરમતીથી મુંબઈ સુધીના 508 કિલોમીટર રૂટ પર નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન (એનએચએસઆરસીએલ) દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે અમદાવાદ સહિત ગુજરાતમાં જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થયા બાદ જ્યાંથી બુલેટ ટ્રેન પસાર થવાની છે તે રૂટ પર એનએચએસઆરસીએલ દ્વારા પિલરની જગ્યાએ બંને તરફ આરઓડબ્લ્યુ પિલર (રાઈટ ઓફ વે પિલર) લગાવી દેવાયા છે.
શહેરના સાબરમતીથી વટવા સુધી અમદાવાદ વિસ્તારની સાથે ગુજરાતમાં લગભગ 95 ટકા જેટલી જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થતા આખા રૂટ પર જ્યાં કોઈ સમસ્યા નથી ત્યાં આરઓડબ્લ્યુ પિલર લગાવી દેવાયા છે. વધુમાં આ રૂટ પર આવતા નાના મોટા વૃક્ષો હટાવવાની કામગીરી પણ હાલ એનએચએસઆરસીએલ દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે. બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન થયા બાદ આ રૂટ પર આવતા દબાણો તેમજ અન્ય અવરોધો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં રેલવેની ઓફિસો અને વર્કશોપ અન્યત્ર ખસેડવામાં આવી રહ્યા છે. જ્યારે ખાનગી બાંધકામને હટાવવા તેના માલિકને વળતર ચુકવવામાં આવ્યા છે. વધુમાં લોકોને ખબર પડી રહે તે માટે પિલરથી લગભગ બન્ને બાજુએ લગભગ 25 ફૂટના અંતરે એનએચએસઆરસીએલે આરઓડબ્લ્યુ પિલર લગાવ્યા છે.