નવસારીઃ ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન (જેટકો)ના કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે. કર્મચારીઓ ઘણા સમયથી સમાન કામ સમાન વેતનની માગણી કરી રહ્યા છે. પણ કર્માચરીઓની માગણીઓ સ્વીકારવામાં આવતી નથી. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ જેટકોના કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓની વહારે આવ્યા હતા. અને આ મુદ્દે રેલી કાઢવામાં આવતા પોલીસે ધારાસભ્ય સહિત તેમના સમર્થકોની અટકાયત કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન જેટકોમાં કાર્યરત કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારીઓની સમાન કામ, સમાન વેતન સહિતની પડતર માંગણીઓ સાથે ધારાસભ્ય અનંત પટેલ અને કર્મચારીઓએ રેલી કાઢવાનું આયોજન કર્યુ હતું. જે માટે પોલીસની પરમિશન લેવા ગયા હતા. રેલીમાં 400 માણસોની પરમિશન મળે તેમ ન હતી. જેથી પોલીસે પરમિશન આપી ન હતી. તેમ છતાં રેલી કાઢવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ધારાસભ્ય અને કર્મચારીઓનું ઘર્ષણ થયું હતું. ત્યારે અનંત પટેલ અને તેમના સમર્થકોને પોલીસે ટીંગાટોળી કરીને ગ્રામ્ય પોલીસ મથકે લઈ ગઈ હતી.
ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન દ્વારા નવસારી સર્કલ હેઠળ આવતા 66 કેવી સબ સ્ટેશનોમાં અંદાજે 1 હજારથી વધુ કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જેમનો મહિનાનો પગાર 8 થી 10 હજાર રૂપિયા છે, જ્યારે કોન્ટ્રાક્ટના કર્મચારી જેવું જ કામ કરતા જેટકોના કાયમી કર્મચારીઓનો પગાર અંદાજે 40 હજાર રૂપિયા છે. જેથી સમાન કામ, સમાન વેતનની મુખ્ય માંગ સાથે કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારીઓને થતી હેરાનગતિ, શોષણ જેવા વિવિધ પ્રશ્નોને લઈ ભૂતકાળમાં કર્મચારીઓએ વિરોધનો સૂર છેડી રેલી કાઢી હતી. ત્યારે ફરી વાર કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલે આ મુદ્દાને લઈને લુન્સીકૂઇ મેદાનથી રેલી યોજવાના હતા. પરંતુ તેમણે આ મામલે પોલીસ પરમિશન ન લેતા પોલીસે તમામને લુન્સીકુઈથી ટીંગાટોળી કરીને ગ્રામ્ય પોલીસ મથકે લઇ ગયા હતા.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, જેટકોના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓએ એક માસ પહેલા નવસારી જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી, સમાન વેતન સહિતની માગો વહેલી પૂરી થાય એવી રજૂઆત કરી હતી. સાથે જ જો યોગ્ય નિર્ણય ન કરવામાં આવે તો ગાંધીમાર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. જેટકોના કોન્ટ્રાક્ટ હેઠળના કર્મીઓએ કલેક્ટર કચેરીથી નવસારીના ગ્રીડ નજીક આવેલી જેટકોની સર્કલ ઓફિસ સુધી રેલી પણ યોજી હતી અને સર્કલ ઓફિસના મુખ્ય અધિકારીને પણ આવેદન આપ્યું હતું. તેમ છતાં આ માગો સ્વીકારવામાં ન આવતા ધારાસભ્ય અનંત પટેલ આ કર્મચારીઓના વ્હારે આવ્યા હતા.