Site icon Revoi.in

ગાંધીનગરમાં ફોરેસ્ટ બીટગાર્ડ ભરતીના ઉમેદવારો રજુઆત માટે આવતા અટકાયત

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં વન વિભાગમાં બીટગાર્ડની ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષા લીધા બાદ પરિણામમાં વિસંગતા હોવાને મુદ્દે વિવાદ ઊભો થયો છે, ઉમેદવારો CBRT નોર્મલાઈઝેશન મેથડના કારણે અન્યાય થયો હોવાની લાગણી અનુભવી રહ્યા છે. ભાજપ-કોંગ્રેસના ઘારાસભ્યો પણ આ મુદ્દે મુખ્યમંત્રીને રજુઆત કરી હોવા છતાયે પ્રશ્નનું નિકારકણ આવ્યુ નથી. ત્યારે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની માગ સાથે ઉમેદવારો આજે ગાંધીનગર રજુઆત કરવા માટે આવ્યા હતા. અને પથિકાશ્રમ પાસે એકઠા થયેલા ઉમેદવારો તેનો આગળનો કાર્યક્રમ આપે તે પહેલાં જ ઉપસ્થિત પોલીસ જવાનોએ ઉમેદવારોને ડિટેઈન કર્યા હતા.

ગુજરાતમાં વન વિભાગ દ્વારા બીટગાર્ડની ભરતી માટે ગઈ તા. 8 થી 27 ફેબ્રુઆરી 2024 સુધીમાં પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં  823 પદ માટે 8 લાખ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. અને 4 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેનું પરિણામ જાહેર થતાં જ ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો છે. CBRT નોર્મલાઈઝેશન મેથડના કારણે અન્યાય થયો હોવાનો ઉમેદવારોનો આક્ષેપ છે. ત્યારે આજે ફરીવાર પડતર માંગણીને લઈને ઉમેદવારો ગાંધીનગર આવી પહોંચ્યા હતા. જ્યાં પોલીસે 100 ઉમેદવારોની અટકાયત કરી હતી.

વન વિભાગના બીટ ગાર્ડ ભરતીના ઉમેદવારોએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,  વન વિભાગના મહેકમ મુજબ 500થી 700 જગ્યાઓ ખાલી પડી છે. તો સરકારને વિનંતી છે કે, ચાલુ ભરતીમાં જ તે જગ્યા ઉમેરી દેવામાં આવે. જેથી જે ઉમેદવારોને અન્યાય થયો છે તેને લાભ મળે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી પોતાની રજૂઆત કરવા માટે આવેલા 100 જેટલા ઉમેદવારોને પોલીસ દ્વારા ડિટેઈન કરી પોલીસ વાહનમાં બેસાડી લઈ જવામાં આવ્યા હતા. પોલીસે ડિટેઈન કરવાનો પ્રયાસ કરતા પોલીસકર્મીઓ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણનાં દૃશ્યો સર્જાયાં હતાં. પોલીસ ઉમેદવારોને ટીંગાટોળી કરીને લઈ ગઈ હતી.

ઉમેદવારોએ કહ્યુ હતું કે, ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતીને અઢીથી ત્રણ વર્ષ થઈ ગયાં છતાં ભરતી સંપૂર્ણ પારદર્શકતા સાથે થઈ નથી. ગોપનીયતાના નામે અમારા રિઝલ્ટમાં માર્ક જાહેર કરવામાં આવતા નથી. તો અન્ય પરીક્ષાઓના માર્ક જાહેર કેમ કરાય છે? CBRT પદ્ધતિના કારણે ખરાબ પરિણામ આવ્યું છે. અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે, અમારી માગણી સ્વીકારો, અમારા પર અત્યાચાર કરવાનું બંધ કરો.