Site icon Revoi.in

દેવ કોરડિયા એટલે ગુજરાતના સૌથી નાની ઉંમરના સરપંચ

Social Share

રાજકોટ: ગુજરાતમાં અત્યારે ચૂંટણીનો માહોલ છે. સાડા આઠ હજારથી વધારે ગામડાંઓમાં પંચાયતની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે, ત્યારે હવે વાત કરવામાં આવે રાજકોટના કાગદડી ગામની તો ત્યાંના સરપંચ દેવ કોરડિયા એટલે કે અનોખા સરપંચ. દેવ કોરડિયા જે ગુજરાતના સૌથી નાની ઉંમરના સરપંચ છે. 2017માં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દેવ કોરડિયા 21 વર્ષની ઉંમરે સરપંચ બન્યા હતા.

દેવ કોરડિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે હું નાનો હતો ત્યારથી જ એવી ભાવના હતી કે, મારે મારા ગામ માટે કંઈક કરવું છે. મારા ગામને નિર્મળ બનાવવું હતું, આખા ગામમાં પાકા રસ્તા બનાવવા હતા, ઘરે ઘરે પાણી પહોંચાડવું હતું. આ જ વિચારે મને ચૂંટણી લડવા પ્રેર્યો અને ગામ લોકોના સહયોગથી અને ઈશ્વરના આશીર્વાદથી હું સરપંચ બની ગયો. આ પાંચ વર્ષમાં મારા એક-એક વિચારને, સપનાંને ગામ માટે સાકાર કરવાનો પ્રામાણિક પ્રયત્ન કર્યો છે.

2017ની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયા ત્યારે દેવ કોરડિયાની ઉંમર માત્ર 21 વર્ષની હતી. એટલે કે, તે ગુજરાતના સૌથી નાની ઉંમરના સરપંચ હતા. આ વાત કરતાં દેવ કોરડિયા કહે છે કે, સૌથી નાની ઉંમર હોવાને કારણે ગાંધીનગર સુધી તેમની નોંધ લેવાતી. ગામમાં પંચાયતના સભ્યો જ નહીં, તાલુકા અને જિલ્લાના અધિકારીઓ પણ તેને વિશેષ માન આપતા. એટલું જ નહીં કોઈ નેતા કે મંત્રી સાથે મુલાકાત થાય તો પણ તેને એટલો જ આદર આપવામાં આવતો. આ વિશેષ માન અને આદરને કારણે જ પાંચ વર્ષમાં ગામમાં ધાર્યાં કામ કરાવી શક્યો છું.