દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 6 દિવસમાં પડ્યો 50 ઈંચ વરસાદ, 30 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 6 દિવસ દરમિયાન સરેરાશ 50 ઈંચ વરસાદ પડ્યો છે. મેધરાજાએ સમયાંતરે સતત બેટિંગ કરતા વરસાદે 30 વર્ષનો રેકર્ડ તોડ્યો છે. સૌથી વધુ કફોડી હાલત કલ્યાણપુર તાલુકાની બની છે. માત્ર રોડ-રસ્તાઓ પર જ નહીં, વાડી-ખેતરોમાં પણ પાણી ભરાયા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવાઈ નિરિક્ષણ કરીને અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારની માહિતી મેળવી હતી.
ગુજરાતમાં વરસાદને કારણે સૌથી વિકટ પરિસ્થિતિ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળી છે. વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. સરકારી આંકડા પ્રમાણે દ્વારકામાં 30 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 31 ઈંચની કુલ સરેરાશ સામે 50 ઈંચ વરસાદ માત્ર છ દિવસમાં પડ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક ગામડાઓમાં ભારે વરસાદને કારણે હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવવા અસરગ્રસ્ત જિલ્લાઓ ખાસ કરીને જામનગર અને દ્વારકા જિલ્લાના ગામોનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું.મુખ્યમંત્રીએ દ્વારકા અને જામનગર જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને જિલ્લા વહીવટીતંત્રને ભારે વરસાદમાં લોકોની સલામતી માટે ઝીરો કેઝ્યુઆલીટીના અભિગમ સાથે કાર્યરત રહેવા માર્ગદર્શન આપ્યું હતું.
દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા ભારે વરસાદના સંદર્ભે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થતા મુખ્યમંત્રીએ દેવભૂમિ દ્વારકાની દરિયાઈ પટ્ટી અને અસરગ્રસ્ત વિસ્તારોનો તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રીએ દ્વારકા, કલ્યાણપુર સહિતના જે વિસ્તારોમાં અસાધારણ વરસાદ પડ્યો છે, તે વિસ્તારોમાં લેવાયેલા પગલાઓ અને હજુ આગામી દિવસોમાં માલ મિલકતને વધુ નુકશાન ન થાય તે માટે તંત્રની સુસજ્જતા અને સમગ્ર સ્થિતિનો તાગ મેળવીને રાજ્ય સરકાર અસરગ્રસ્તોની સાથે છે તેવો અહેસાસ પૂરો પાડવા સૂચનો કર્યા હતા. આ વિસ્તારોમાં પાણી ઓસરતાં જ જરૂરી સર્વે કરવા અંગે પણ તેમણે સંબંધિત વિભાગોને માર્ગદર્શન આપ્યું હતું. કલેકટર જી.ટી.પંડ્યાએ સમગ્ર સ્થિતિની માહિતી આપતા જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 30 વર્ષનો સરેરાશ વરસાદ 769 મીમી છે તેની સામે છેલ્લા પાંચ છ દિવસમાં 980 મીમી સરેરાશ વરસાદ એટલે કે 31 ઇંચની સરેરાશ સામે 50 ઇંચ વરસાદ વરસ્યો છે.