અમદાવાદઃ સતત વિકાસની હરણફાળ ભરી રહેલા અમદાવાદ શહેરમાં અનેક વિકાસલક્ષી યોજનાઓ ઉપર કામગીરી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં શહેરને સુંદર બનાવવાની સાથે શહેરીજનોને તમામ સુવિધાઓ સરળતાથી મળી રહે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરની શોભામાં ઘટાડો કરતા પીરાણા ડમ્પીંગ સાઈટ અને શહેરના અન્ય વિસ્તારોમાંથી કચરાના ઢગલા દૂર કરીને સુંદરતામાં વધારો કરવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન શહેરના છેવાડે બોપલ વિસ્તારમાં આવેલા વિશાળ કચરાના ઢગલાને દૂર કરીને કાયાપલટ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના છેવાડે બોપલ વિસ્તારના જીઈબી રોડ પર કચરાનો ઢગલો જામ્યો હતો. અહીં લગભગ 3 લાખ ટન જેટલો કચરાનો ઢગલો જામ્યો હતો. આ કચરના ઢગલાને કારણે આસપાસના વિસ્તારના લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં હતા. એટલું જ નહીં અહીંથી પસાર થતા વાહન ચાલકો પણ ભારે હાલાકીનો સમનો કરતા હતા.
દરમિયાન તંત્ર દ્વારા આ કચરના ઢગલાને દૂર કરીને તેની કાયાપલટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હવે કચરાનો ઢગલો દૂર કરીને ઈકો પાર્ક બનાવવામાં આવ્યું છે. રૂ. 3.5 કરોડના ખર્ચે બનેલા પાર્કમાં અનેક વૃક્ષોની સાથે નાનકળુ તળાવ પણ ઉભું કરવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, બાયો-માઈનિંગ મશીનની મદદથી કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીરાણા ડમ્પીંગ સાઈટ ખાતે પણ કચરાના પહાળને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ અહીં પણ કાયાપલટ કરવાનું આયોજન કરાયું છે.