Site icon Revoi.in

અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશનની ઢીલી નીતિને લીધે વિકાસના કામો સમયસર પૂર્ણ થતા નથી

Social Share

અમદાવાદ: શહેરમાં વિકાસના અનેક કામો સમયસર પુરા થતા નથી. કોન્ટ્રાક્ટરો અને તંત્રની ઢીલી નીતિને કારણે સમયસર કામો પુરા કરવામાં વિલંભ થી રહ્યો છે. શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 150 કરોડથી વધુ રકમના ચાર પ્રોજેક્ટના કામો હજુ પણ પુરા કરાયા નથી. જેમાં રિવરફ્રન્ટ ખાતે રૂપિયા 5 કરોડના ખર્ચે શાહપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ ફેબ્રુઆરી 2020માં પૂરું થવાનું હતું પરંતુ તે થયું નથી. 15 કરોડ રૂપિયાના ખર્ચે NID પાછળ સ્પોર્ટ્સ કોમ્લેક્સનું કામ એપ્રિલ 2020માં પૂર્ણ થવાનું હતું તે પણ મુદતમાં પૂર્ણ થયું નથી. 60 કરોડ રૂપિયાના ખર્ચે એસવીપી મલ્ટીલેવલ પાર્કિંગનું કામ સપ્ટેમ્બર 2020માં પૂર્ણ થવાનું તે પણ હજી ચાલી રહ્યું છે. રૂપિયા 74 કરોડના ખર્ચે આઈકોનિક ફૂટઓવર બ્રિજનું કામ ઓક્ટોબર 2020માં પૂર્ણ થવાનું હતું પરંતુ હજી પ્રગતિમાં છે. આમ, કોરોના મહામારીના નામે તમામ કામોની મુદત વધારવામાં આવી છે પરંતુ કોરોના મહામારીના નામે કોન્ટ્રાક્ટરોને મુદતમાં વધારો મળી ગયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સાબરમતી રિવરફ્રન્ટ કંપની દ્વારા 3 માર્ચ 2019ના રોજ એસવીપી હોસ્પિટલની પાછળના ભાગમાં 8710 ચો.મી. ક્ષેત્રફળના પ્લોટમાં એસવીપી મલ્ટિલેવલ પાર્કિંગનું કામ શરૂ કરાયું હતું. એ સમયે રૂપિયા 59,87,60,710 કરોડનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાની સંભવિત તારીખ 5-9-2020 નક્કી કરવામાં આવી હતી. આ નિયત સમય મર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી.

આ પ્રોજેક્ટમાં 8710 ચો.મી.ના પ્લોટમાં 38,725 ચો.મી. બિલ્ટઅપ એરિયા અને 1800 ચો.મી. કોમર્શિયલ બાંધકામ નક્કી કરાયું હતું. જેમાં 18 દુકાનો બાંધવાની હતી. બેઝમેન્ટમાં 170 કારનું પાર્કિંગ અને ભવિષ્યમાં મિકેનીકલ પાર્કિંગ થઈ શકે તે મુજબની વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી ભવિષ્યમાં 1 હજારથી વધુ કારનું પાર્કિંગ કરી શકાશે. બેઝમેન્ટ, 6 માળ તથા ટેરેસમાં કુલ દરેક માળે તથા દરેક એન્ટ્રી પોઈન્ટ પર દરેક માળે કેટલું પાર્કિંગ ખાલી છે તે દર્શાવતી ઓટોમેટિક ઈલેક્ટ્રોનિક ડિસ્પ્લે સિસ્ટમ મૂકવાનું આયોજન કરાયું છે. જે જગ્યાએ કાર પાર્ક થઈ હશે તે જગ્યાએ ઓટોમેટિક સેન્સર સિસ્ટમથી ડિસ્પ્લેમાં ઓટોમેટિક થઈ થઈ જશે. દરેક માળ પર ઈલેક્ટ્રિક વાહનો રાખવા માટે ઈ-ઝોન રાખવામાં આવ્યો છે. આ બિલ્ડિંગથી ફ્લાવર ગાર્ડન તથા ઈવેન્ટ ગ્રાઉન્ડ તરફ જવા સ્કાય વૉક વે પણ બનાવાનું આયોજન કરાયું છે. આ આખો પ્રોજેક્ટ 10 મહિના જેટલો વિલંબિત થયો છે અને ક્યારે પૂર્ણ થશે તેની જાહેરાત થઈ નથી.

આ ઉપરાંતસાબરમતી રિવરફ્રંટ કંપની દ્વારા રૂપિયા 25.66 કરોડના ખર્ચે સાબરમતી રિવરફ્રંટ ખાતે NIDની પાછળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાનું નક્કી થયું હતું પછી 3 માર્ચ 2019ના રોજ કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ 15 એપ્રિલ 2020માં પૂર્ણ થવાનો હતો પરંતુ વર્ષ વિત્યું છતાં પૂર્ણ ના થયું. અહીં ઓપન એરિયા ફોર મલ્ટીપલ સ્પોર્ટ્સ જેમાં ચાર ક્રિકેટ પીચ, પાંચ ટેનિસ કોર્ટ, સ્કેટિંગ રિંગ, સ્કેટ બોર્ડ, 800 મીટરનો જોગિંગ ટ્રેક બનાવાનું આયોજન હતું. જે પૈકીનું મોટાભાગનું કામ પૂર્ણતાના આરે છે પણ આ સમય નિયત મુદત કરતાં મોડો ચાલી રહ્યો છે. આ પ્રકારે પાંચ કરોડના ખર્ચે શાહપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવાનું મંજૂર કરાયું હતું. જેનું કામ 15મી ફેબ્રુઆરી 2020ના રોજ પૂરું થવાનું હતું પરંતુ તેના હજી કોઈ ઠેકાણાં નથી. આ પ્રોજેક્ટ હજી પૂરો થયેલો જાહેર કરાયો નથી.