એસ.ટીના બસમથકોને એરપોર્ટ જેવા અદ્યતન બસપોર્ટ તરીકે વિકસાવી દેશમાં નવું મોડેલ પ્રસ્થાપિત કર્યુઃ CM રૂપાણી
અમદાવાદઃ ગુજરાતે સામાન્ય-મધ્યમવર્ગીય-ગરીબ માનવીઓ માટેના પરિવહન સેવા માધ્યમ એસ.ટી.ના બસ મથકોને અદ્યતન એરપોર્ટ જેવા સુવિધાસભર, સુઘડ બસપોર્ટ તરીકે વિકસાવીને એક નવું મોડેલ દેશમાં પ્રસ્થાપિત કર્યુ છે. તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-એસ.ટી. દ્વારા રાજ્યના પ્રજાજનોની સેવામાં રૂ. 43.72 કરોડના વિવિધ લોકાર્પણ-ખાતમૂર્હત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યા હતા. તેમજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં 8 નવા બસ સ્ટેશન, 1 એસ.ટી. વર્કશોપના મળીને કુલ રૂ. 28.20 કરોડના કામોના લોકાર્પણ કર્યા હતા. આ ઉપરાંત તેમણે પાંચ ડેપો વર્કશોપ જે કુલ રૂ. 15.52 કરોડના ખર્ચે નિર્માણ પામવાના છે તેના પણ ઇ-ખાતમૂર્હત કર્યું હતું.
આ પ્રસંગ્રે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉના જર્જરિત બસ મથકો, ખખડધજ બસીસની સ્થિતીનો અંત લાવી હવે આપણે સમયાનુકુલ સુવિધાસભર વોલ્વો, સ્લીપર કોચ, જી.પી.એસ સિસ્ટમ સાથેની બસ સેવાઓ અને અદ્યતન બસપોર્ટ પ્રજાની સેવામાં આપી રહ્યા છીએ. ખાનગી ટ્રાવેલ્સ સેવાઓ નફાકારક રૂટ પર જ પોતાના રૂટ ચલાવતી હોય છે જ્યારે એસ.ટી નિગમ નફા કે નુકશાનનો વિચાર કર્યા વિના રાજ્યના દરેક ગામને જોડીને ઓછામાં ઓછી રોજની એક ટ્રીપ ગામને મળે અને ગરીબ, સામાન્ય માનવીને કનેકટીવીટીની સહુલિયત મળે તે રીતે કાર્યરત છે.
રાજ્યના લાખો વિદ્યાર્થીઓને 80 ટકા કન્શેસન પાસ આપીને તેમને અભ્યાસ પ્રવૃત્તિ માટે અવર-જવર અને ભાવિ કારકીર્દી ઘડતરમાં એસ.ટી. નિગમ મહત્વનું પ્રદાન કરે છે. એટલું જ નહિ, ગરીબ પરિવારોને લગ્ન જેવા પ્રસંગોએ અન્ય વાહતુક વાહનો-ટ્રક વગેરેમાં જાન લઇને જતાં-આવતાં અકસ્માતનો ભોગ બનવાવારો ના આવે તે માટે આવા લગ્ન પ્રસંગે રાહત દરે બસ આપવા સહિત દિવ્યાંગ, વૃદ્ધો, સામાન્ય માનવી સૌને સુવિધાસભર યાતાયાતનો શ્રેષ્ઠ વિકલ્પ એસ.ટી બની રહી છે.