મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની સાથે ઓબીસી અનામતનો મુદ્દો પણ ધીમે ધીમે ઠાકરે સરકાર માટે માથાનો દુખાવો બની રહ્યો છે. સુપ્રિમ કોર્ટ દ્વારા સ્થાનિક ચૂંટણીમાં ઓબીસી અનામતને રદ કરવાને મુદ્દે હવે ભાજપે શિવસેનાને ઘેરવાનો પ્લાન બનાવ્યો છે. જેમાં મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલની જાહેરાત બાદ શનિવારે ભાજપ કાર્યકરો ઓબીસી અનામતના મુદ્દે રાજ્યભરમાં 1000 જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
ઓબીસી અનામત લાગૂ કરવા માટે રાજ્યવ્યાપી ચક્કા જામ દરમિયાન નાગપુરમાં વેરાઈટી સ્ક્વેર ચોક પર ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે રાજ્યની મહા વિકાસ અઘાડી સરકાર લોકોને એમ કહીને ફોસલાવી રહી હતી કે તેઓ મુદ્દાને સાંસદમાં ઉઠાવશે. તેમણે કહ્યું કે સત્ય એ છે કે આ મુદ્દો રાજ્ય સ્તર પર હલ કરી શકાય છે. રાજ્ય સરકાર કાયદો બનાવીને કોર્પોરેશનમાં અનામત લાગૂ કરી શકે છે.
દેવેન્દ્ર ફડણવીસે વધુમાં જણાવ્યું કે, જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો સ્થાનિક ચૂંટણીઓમાં ઓબીસી અનામત લાગુ કરશે અને જો તેઓ તેમાં નિષ્ફળ રહેશે તો પોતે રાજકારણમાંથી સન્યાસ લઈ લેશે. 2019ના વર્ષમાં ભાજપ-શિવસેનાની સરકારે સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસીને રાજકીય અનામત આપી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે તેને રદ્દ કરી દીધેલ.
કોર્ટે કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં સંબંધિત સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસી માટેનું અનામત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા ઓબીસી માટે આરક્ષિત કુલ બેઠકોના 50 ટકાથી વધારે ન હોઈ શકે.