Site icon Revoi.in

અંબાજીના માર્ગો પર પદયાત્રિઓની વણઝાર, ભાદરવી પૂનમનો મેળો રદ છતાં ભાવિકો આવી રહ્યા છે

Social Share

અંબાજી : યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમે માતાજીના દર્શનું વિશેષ મહાત્મય છે.શક્તિપીઠ અંબાજીમાં ભાદરવીપૂનમનો મેળો રદ્દ કરાયો હોવા છતાં શ્રદ્ધાળુઓના મેળાવડાની પરિસ્થિતિ સર્જાઈ છે. અંબાજીમાં ભાદરવીપૂનમને ગણતરીના  દિવસ બાકી છે. ત્યારે અંબાજી જતા માર્ગો પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે. જાણે 20 કિલોમીટર સુધી શ્રદ્ધાળુઓની માનવસાંકળ સર્જાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એટલુંજ નહીં અંબાજી પંથકમાં છુટો છવાયા વરસાદના ઝાપટા વર્ષી રહ્યા છે પણ અંબાજી બહાર માર્ગો ઉપર ગરમીનો ભારે ઉકળાટ જોવા મળે છે. જેને લઈ અમદાવાદ રાણીપના કેટલાક ભક્તો દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ ને વિનામૂલ્ય આઈસ્ક્રીમનું વિતરણ કરતા પણ જોવા મળ્યા હતા.

અંબાજીમાં ગત વર્ષે પણ ભાદરવી પૂનમનો મેળો કોરોનાને કારણે યોજી શકાયો નહતો. પણ આ વર્ષે કોરોનાના કેસ સાવ ઘટી ગયા છે. ત્યારે સરકાર દ્વારા મંદિરમાં દર્શન માટે છૂટછાટ આપવામાં આવી હતી. જોકે ભાદરવી પૂનમ પહેલા જ ભાવિકોનો ભારે ઘસારો થતા અને કોરોનાના સંભવિત ત્રીજા વેવની શક્યતા હોય સરકારે ભાદરવી પૂનમના મેળાને રદ કરતું જાહેરમનામું પ્રસિદ્ધ કર્યું હતું. આમ ભાદરવી પૂનમનો મેળો રદ કર્યો હોવા છતાં ભાવિકોનો અવિરત પ્રવાહ અંબાજી તરફ આવી રહ્યો છે.  દેશની આઝાદી પહેલાથી અંબાજી પગપાળા સંઘ જે છેલ્લા 187 વર્ષથી પગપાળા ચાલી પોતાની ટેક પુરી કરવા અંબાજી પહોંચે છે, તે પણ આ વખતે ઓછી સંખ્યામાં પદયાત્રીઓ સાથે અંબાજી પહોંચ્યા હતા. અંબાજી પહોંચતા ભક્તોને માતાજીના નામના કુમકુમના થપ્પા લગાવ્યા હતા.  અંબાજીના માર્ગો ઉપર પદયાત્રીઓનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. તે જોતા દાંતા પછી અંબાજી તરફનો વાહનવ્યવહાર સ્થગિત કરી વાયા હડાદ થઇને ડાયવર્ડ કરવામાં આવ્યો છે. દાંતાથી અંબાજી જવા વાહનો માટે રસ્તો બંધ કરવામાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે.                                                                                         (file-photo)