Site icon Revoi.in

ચોટિલામાં ચામુંડા માતાજીના મંદિરે ચૈત્રી પુનમે દર્શન માટે ભાવિકો મોટા સંખ્યામાં ઉમટી પડ્યાં

Social Share

સુરેન્દ્રનગરઃ આજે ચૈત્રી પુનમના દિને માતાજીના દર્શનનું વિશેષ મહાત્મ્ય છે. ત્યારે સુપ્રસિદ્ધ ચોટિલાના ચામુંડા માતાજીના મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. ચૈત્રી પૂનમ વર્ષમાં આવતી સૌથી મોટી પૂનમ હોવાથી તેનું મહત્વ અનેરૂ હોય છે. ચૈત્રી પૂનમમાં હજારો માઈભક્તો પગપાળા ચાલીને માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવે છે. તે ઉપરાંત ચોટીલા ડુંગર ટ્રસ્ટ તેમજ અનેક ગ્રૂપો દ્વારા સેવા કેમ્પ ખોલીને તમામ યાત્રિકો માટે પ્રસાદરૂપી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ચૈત્રી પુનમના દિને  ચોટીલામાં બિરાજમાન ચામુંડા માતાજીના ડુંગર પર લાખોની સંખ્યામાં માઈભકતોનો ધસારો જોવા મળ્યો હતો. અને ચોટીલા ચામુંડા માતાજીના ડુંગરે અભૂતપૂર્વ માનવ મહેરામણ સાથે શ્રધ્ધાળુઓએ આસ્થાભેર દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ચોટીલા ચામુંડામાંના દર્શનાર્થે આવતા યાત્રિકો સાથે કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ડીવાયએસપી સહિત 10 અધિકારીઓ તેમજ 200 પોલીસ જવાનોનો મસમોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

મંદિર ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે,  મા ચામુંડાને દર્શન કરવા માટે રોજબરોજ અનેક ભાવિકો આવે છે. જેમાં ચૈત્રી નવરાત્રી, તથા  શારદીય નવરાત્રી તેમજ ચૈત્રી પૂનમ ઉપર દેશભરમાંથી શ્રદ્ધાળુઓ, પદયાત્રીઓ માતાજીના રથો તેમજ હાથમાં ધજાઓ સાથે જય માતાજીના નારાઓ સાથે માતાજીના ધામમાં આવે છે. અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.  ચોટીલા ખાતે ચૈત્રી પૂનમ નિમિત્તે પ્રાત તેમજ મામલતદાર કચેરીના અધિકારીઓ તેમજ સ્ટાફ દ્વારા કરવામાં આવેલા સેવા કેમ્પની મંત્રી કુંવરજી બાવળિયાએ મુલાકાત લીધી હતી

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ચોટીલામાં ચૈત્રી પુનમ નિમિત્તે ચામુંડા માતાજીના દરબારમાં પગપાળા સંઘ સમગ્ર ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી બે દિવસ અગાઉ પહોંચ્યા હતા. તમામ ભાવિકોની આરામ, જમવા અને ચા-પાણી નાસ્તા માટે ચોવીસ કલાક માટે કેમ્પો ખોલીને અનેક ગ્રૂપના મંડળો સેવા કરી હતી. આજે ચૈત્રી પૂનમે બે લાખથી વધુ શ્રધ્ધાળુઓએ માતાજીના દર્શનનો લ્હાવો લીધો હતો.  તેમજ ચોટીલા પ્રાત કચેરી અને મામલતદાર કચેરીના અધિકારીઓ તેમજ તમામ સ્ટાફ દ્વારા આશરે છેલ્લા 10 વર્ષોથી મામલતદાર કચેરીના ગેટ બહાર રોડ ઉપર ચાલીને આવનારા શ્રદ્ધાળુઓ માટે રહેવા, જમવા અને ચા પાણી નાસ્તા માટે કેમ્પ ખોલી સતત ત્રણ દિવસથી ખડેપગે સેવાકાર્ય કર્યું હતુ.  તેમજ કેમ્પમાં ચોટીલા શહેરના વેપારીઓ તેમજ અન્ય લોકો પણ સાથ સહકાર આપીને સહભાગી બન્યા હતા.