ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિને અંબાજીમાં શ્રદ્ધાળું ઉમટી પડ્યાં, અંબેના જયઘોષ સાથે મંદિર ગુંજી ઊઠ્યુ
અંબાજીઃ માતાજીની પૂજા-અર્ચના અને ભક્તિ- શક્તિના પર્વ ગણાતા ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થઈ ગયો છે. ત્યારે મા જગતજનની અંબાના ધામ અંબાજીમાં આજે મોટી સંખ્યામાં માઇભક્તો દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. ચૈત્રી નવરાત્રી દરમિયાન દૂર દૂરથી માઈભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. અને મા જગતજનની અંબાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવતા હોય છે. આજે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં માઇભક્તો માતાજીના ધામે આવી પહોંચ્યા હતા.
ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે મા જગતજનની અંબાના ધામ અંબાજીમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે મંગળા આરતીમાં હજારોની સંખ્યામાં માઇભક્તો જોડાયા હતા. વહેલી સવારથી માઇભક્તો મંગળા આરતીમાં જોડાવા માટે લાઈનોમાં લાગી હતી. વહેલી સવારે મા જગતજનની અંબાના ધામમાં ભક્તિમય માહોલ સાથે મંગળા આરતી થઈ હતી. ત્યારે જય અંબે, જય જય અંબેના જયઘોષ સાથે મા નું મંદિર ગુંજી ઉઠયું હતું. અંબાજીમાં ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે જ વરસાદ વરસ્યો છે. અંબાજીમાં ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે મા અંબેના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. ત્યારે આ વચ્ચે અંબાજીમાં વરસાદ થતા ભક્તોએ પાવન થવાનો અનુભવ કર્યો હતો.
ભક્તિ અને શક્તિની ઉપાસનાનું મહાપર્વ એટલે ચૈત્રી નવરાત્રી. નવરાત્રીના નવ દિવસ સુધી માતાજીની આરાધના કરવામાં આવે છે અને ભક્તો પૂજા દાન પણ કરતા હોય છે. ત્યારે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિરમાં નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો. માતાજીના દર્શન માટે વહેલી સવારથી ભક્તોની લાઈન લાગી હતી. આ ઉપરાંત પાવાગઢ અને મહેસાણા જિલ્લામાં આવેલા બહુચરાજીના મંદિરમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.