અમદાવાદઃ ભારતીય પર્વ પરંપરામાં હોળી-ધૂળેટીનું અનેરૂ મહાત્મ્ય છે. હોળીનો તહેવાર ભકત પ્રહલાદની કથા સાથે સંકળાયેલો છે. તેમ હોરી, રસીયાનું પણ મહત્વ છે. ગોકુળ, મથુરા, વ્રજમાં હોળી ધૂળેટીનો અનન્ય મહિમા છે. વૈષ્ણવોની હવેલીમાં ફાગણ મહિનામાં હોરી રસીયા ગાવામાં આવે છે તથા ફૂલોત્સવ ઊજવવામાં આવે છે. આજે હોળી-ધુળેટી પર્વમાં સુપ્રસિદ્ધ તિર્થધામ શામળાજીના મંદિરમાં, તથા ડાકોરના રણછોડરાયજીના મંદિર અને દ્વારકામાં દ્વારકાધિશના મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા છે.
ઉત્તર ગુજરાતમાં આવેલા સુપ્રસિદ્ધ શામળાજી મંદિર ખાતે ભગવાન શામળાજીના દર્શન માટે કપાટ ખુલતા જ દર્શનાર્થીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો હતો. ખુબ જ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા. આજે સવારે આરતી બાદ શામળાજીને ભોગ ધરવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં ભકતોએ અબીલ-ગુલાલની છોળો ઉડાડીને શામળાજી પ્રત્યેની ભકિત દર્શાવી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.
ગુજરાતનું સૌથી જાણીતું અને પ્રમુખ મંદિરોમાં ભગવાન રણછોડરાયજીનું મંદિર ડાકોરમાં આવેલું છે અહીં શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. આ મંદિર ગોમતી નદીના કિનારે આવેલું છે. ડાકોરમાં હોળી-ધૂળેટીના પર્વનું અનેરૂ મહાત્મ્ય છે. અમદાવાદ સહિત વિવિધ શહેરો અને ગામડાંઓમાંથી હજારોની સંખ્યામાં ભાવિકો પગપાળા ડાકોર પહોંચીને રણછોડરાયજીના દર્શનનો લહાવો લીધો હતો. જય રણછોડના નાદથી ડાકોરના માર્ગો ગુંજી ઊઠ્યા હતા. આજે ડાકોરમાં હોળી તહેવારના કારણે હજારો ભાવિકો ઉમટી પડયા છે. અબીલ-ગુલાલની છોળો ઉડી રહી છે. શ્રધ્ધાળુઓ ડાકોરજીના દર્શનથી ધન્યતા અનુભવી રહ્યા છે. હોળી-ધુળેટીના દિવસોમાં ડાકોરજીના શ્રૃંગાર તથા વિશેષ ધાર્મિક અનુષ્ઠાનો યોજવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્રમાં દરિયા કિનારે આવેલા દ્વારકાધિશના મંદિરે પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.દ્વારકાધિશનું મંદિર પૂરાતની છે. અને દ્વારકાધિશના દર્શનનું હોળી-ધૂળેટીના પર્વએ દર્શનનું અનેરૂ મહાત્મ્ય છે.