Site icon Revoi.in

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના આજે છેલ્લા દિવસે ભાવિકો ઉમટી પડ્યાં

Social Share

અંબાજીઃ  યાત્રાધામ અંબાજીમાં આજે ભાદરવી પૂનમના મેળાના છેલ્લા દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.વહેલી સવારે 6 વાગ્યે માતાજીની મંગળા આરતીમાં ‘બોલ માડી અંબે જય જય અંબે’નો નાદ કરતા કરતા મોટી સંખ્યામાં ભક્તો જગતજનની મા અંબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. પૂનમને લઈ અનેકો સંઘો અને પદયાત્રીઓએ માતાજીના મંદિરના શિખરે ધજા અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. 7 દિવસના મહામેળામાં 6 દિવસ દરમિયાન 27 લાખ જેટલા ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને DGP વિકાસ સહાયએ મંદિરના શિખર પર ધજા ચઢાવી, હતી. અને માતાજીના દર્શન કર્યા હતા.

યાત્રાધામ અંબાજીમાં આજે ભાદરવી પૂનમના મેળાનો છેલ્લો દિવસ હતો. ભાદરવી પૂનમના દિવસે માતાજીના દર્શન માટેનું વિશેષ મહાત્મ્ય હોવાથી આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી માતાજીના દર્શન માટે લાંબી લાઈનો જાવા મળી હતી. અંબાજીના બજારોમાં હૈયેહૈયું દળાય એવી ભીડ જોવા મળી હતી. ગણાબધા ભાવિકોએ  માતાજીના મંદિરના શિખરે ધજા અર્પણ કરી હતી  મંત્રી હર્ષ સંઘવીએ ‘બોલ માડી અંબે, જય જય અંબે’નો જયજયકાર કરી માતાજીના દર્શન કર્યા હતા.  સાથે DGP વિકાસ સહાયએ પણ માતાજીના દર્શન કરી આર્શીવાદ મેળવ્યા હતા.

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળાના અંતિમ દિવસે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. પદયાત્રિઓનો સવારથી અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. આજે બપોરે મોટાભાગના પગપાળા સંઘો અંબાજી પહોંચી ગયા હતા. અને દાંતા અને હડાદ રોડ ઉપર એકલદોકલ સંઘ અને પદયાત્રી જોવા મળ્યા હતા. અંબાજી તરફ આવતા માર્ગો પર ઠેર ઠેર સેવા કેમ્પો પદયાત્રિકોની સેવામાં કાર્યરત હતા. જે આજે સમેટાયા હતા. અંબાજીમાં બનાવેલા બસ સ્ટેન્ડ ઉપર વતનમાં પરત જવા માટે યાત્રિકોનો ઘસારો જોવા મળ્યો હતો. તેમજ દર્શન કરી પરત જતાં યાત્રિકોના ટ્રેકટર, કાર સહિતના વાહનોની ધમા ચકડી જોવા મળી હતી.