Site icon Revoi.in

અમદાવાદમાં બે મહિના બાદ આજથી મંદિરો ખૂલતા ભાવિકો દર્શન માટે ઉમટ્યાં

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા સરકારે નિયંત્રણો હળવા કરીને મંદિરો,હોટલ રેસ્ટોરન્ટ્સ જીમ વગેરે ખોલવાની મંજુરી આપતા આજથી આશરે બે મહિના બાદ મંદિરો ખુલી રહ્યા છે. અમદાવાદ શહેરમાં આવેલા તમામ મોટા મંદિરોમાં આજથી ભક્તો ભગવાનના દર્શન કરવા પહોંચ્યા હતા. શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલું જગન્નાથ મંદિર, મણિનગર કુમકુમ સ્વામિનારાયણ મંદિર, માધુપુરા અંબાજી મંદિર, મણિનગર સ્વામિનારાયણ મંદિર ગાદી સંસ્થાન તેમજ લાલદરવાજા ભદ્રકાળી મંદિર આજે વહેલી સવારથી માસ્ક પહેરી પ્રવેશ, સોશિયલ ડિસ્ટન્સ અને એકસાથે 50 લોકોની મર્યાદામાં દર્શન માટે ચાલુ કરવામાં આવ્યા હતા. આજથી મંદિર શરૂ થતાં લોકોને મંદિરમાં જઈ ભગવાનના દર્શન કરવા મળતાં ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો.

અમદાવાદના સપપ્રસિદ્ધ જગન્નાથ મંદિરે દર્શન કરવા આવેલા ભક્તોએ જણાવ્યું હતું કે, આજથી મંદિરો ખુલતાં ખૂબ જ આનંદ છે. બે મહિના બાદ ભગવાનના દર્શન કરવા મળ્યા છે. લોકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરી દર્શન કરવા આવ્યા હતા. આજે પહેલાં જ દિવસે બહુ ઓછા લોકો દર્શન માટે દેખાયા હતા. જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે, જગન્નાથ મંદિર આજ થી ભક્તો માટે ખુલ્લુ કરવામાં આવ્યું છે. તમામ કોરોનાની ગાઇડ લાઈનના પાલન સાથે જગન્નાથ મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું છે. મંદિરના મુખ્ય દ્વાર પર સેનેટાઈઝ ટનલ બનાવવામાં આવી છે. સાથે સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે બોર્ડ લગાવવામાં આવ્યા છે.

શહેરના નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે પણ ભાવિકો દર્શન માટે ઉમટ્યા હતા. તેમજ મણિનગર સ્વામિનારાયણ કુમકુમ મંદિરમાં સવારે 8 વાગે સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવીને આરતી કરીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ભક્તો મંદિરમાં હવે ભગવાનના દર્શન સવારે 8 થી 12 અને સાંજે 4 થી 7 વાગ્યા સુધી ઓફલાઈન કરી શકશે. કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સરકારના નિયમો અનુસાર મંદિરમાં 50 માણસોથી વધુ ભક્તોને એક સાથે દર્શન કરવા માટે આવવા દેવામાં આવશે નહીં. દર્શન કરવા માટે ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે અને સોશિયલ ડીસ્ટન્સ જાળવવાનું રહેશે.