Site icon Revoi.in

રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લીમાં શ્રદ્ધાળુંઓ ઉમટી પડ્યાં, લાખો લિટર ઘીનો કરાયો અભિષેક,

Social Share

ગાંધીનગરઃ  જિલ્લાના રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. વરદાયિની માતાજીની પલ્લી મંદિરથી નીકળીને ગામના 27 ચોકમાંથી પસાર થઈ હતી. આ દરમિયાન લાખો લિટર ઘીનો અભિષેક કરાયો હતો.

રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લી પંપરાગતરીતે નીકળતા પલ્લીના દર્શન માટે  મોટી સંખ્યામાં ભાવિકો ઊમટી પડ્યાં હતા. વરદાયિની માતાજીની પલ્લી છેલ્લાં 5 હજાર વર્ષથી કાઢવામાં આવે છે. આ પલ્લી મહોત્સવ વિશ્વભરમાં વિખ્યાત છે. જ્યાં આસ્થાનાં દર્શન થાય છે. માતાની પલ્લી મંદિરથી નીકળીને ગામના 27 ચોકમાંથી પસાર થઈ હતી. આ દરેક ચોકમાં પલ્લી પર ઘી રેડાતું રહ્યું છે. આ માટે ગામમાં આવેલા માતાના સ્થાનકને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યુ હતું.  નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપનાની સાથે માતાના જવેરા વાવવામાં આવે છે. ત્યારબાદ  નોમના દિવસે રાત્રે પલ્લી નીકળે છે. ઉનાવાના ઠાકોર સમાજના લોકો જ આ પલ્લીને પ્રસ્થાન કરાવે છે. ગામના દરેક ચોકમાં મોટી સંખ્યામાં માનવમહેરામણ ઊમટી પડ્યો હતો. પલ્લીનાં દર્શન માટે બહારગામથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

વરદાયિની માતાની પલ્લીનો નોમની રાત્રે બાર વાગ્યે  પ્રારંભ થયો હતો. અને માતાજી દર્શન આપવા માટે નીકળ્યાં હતાં. લાખો લિટર ઘીનો ઉપયોગ પલ્લીમાં કરવામાં આવ્યો હતો. જ્યારે તમામ ગલીઓમાં ઘીની ખાસ ટ્રોલી રાખવામાં આવી હતી. આમ પલ્લીમાં ઘી નાખવાના નિયમથી વહેલી સવાર થતાં જ રૂપાલ ગામના તમામ રસ્તાઓ પર જેમ ઘીની નદીઓ વહેતી હોય એવાં દૃશ્યો પણ જોવા મળ્યાં હતાં. પલ્લીની પ્રથા એવી છે કે જે લોકોની બાધા પૂરી થઈ હોય તેઓ પલ્લીમાં ઘી ચઢાવે છે. આ ઉપરાંત બાળકો જન્મ્યાં હોય, તેમને પણ પલ્લીનાં દર્શન કરાવવા માટે અહીં લાવવામાં આવે છે. બાળકોનો જન્મ થયો હતો તેમની માતાઓ પલ્લીની સ્તુતિવંદના કરે છે. ગામની મહિલાઓ માથે ઘડુલિયા લઈને ગરબા કરે છે અને ગામના યુવાનો પલ્લીને એક ચોકમાંથી બીજા ચોકમાં લઈ જવાનું કામ કરે છે. સૌપ્રથમ જ્વાળા અને ખીજડાના પૂજનથી શરૂઆત કરાય છે. પલ્લી મંદિરમાં નીકળીને ચોકમાં આવે, એટલે તેના પર ઘી રેડવાનું શરૂ કરાય છે. અહીં જ બાળકોને પલ્લીમાં માથાં ટેકવાય છે.