Site icon Revoi.in

ગુજરાતના મંદિરમાં ભક્તો મીઠાઈ, લાડુ કે નારિયેળ નહીં પણ પાણીની બોટલ ચઢાવે છે, જાણો કારણ

Social Share

ગુજરાતમાં એક એવું મંદિર છે, જ્યાં મન્નત પૂર્ણ થવા પર લોકો પાણીની બોટલ ચઢાવે છે.આ મંદિર ગુજરાતના પાટણમાં છે. પાટણથી મોઢેરા જવાના રસ્તે લોકો રસ્તાની બાજુમાં થોડીક ઇંટો રાખીને બનાવેલા મંદિરમાં પાણીની બોટલ ચઢાવે છે.એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. મંદિરોમાં લોકો લાડુ, ખીર ચઢાવે છે, પરંતુ અહીં પ્રસાદના રૂપમાં માત્ર પાણી ચઢાવવામાં આવે છે.

21 મે 2013ના રોજ આ જગ્યાએ એક ઓટો રિક્ષા અને કાર વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં 8 લોકોમાંથી 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. કહેવાય છે કે ઓટોમાં સવાર લોકો લગ્નમાં જઈ રહ્યા હતા, જેમાં 2 બાળકો પણ સામેલ હતા.

નજીકના ફાર્મ હાઉસમાં કામ કરતા એક ચોકીદારે જણાવ્યું કે અકસ્માત બાદ બંને બાળકો સતત પાણી માંગી રહ્યા હતા, પરંતુ કોઈએ તેમને પાણી ન આપ્યું અને બંનેનું પણ ત્યાં જ મોત થઈ ગયું. થોડા સમય પછી એ જ જગ્યાએ અકસ્માતો થવા લાગ્યા.

આ પછી, સ્થાનિક લોકોએ તે બંને બાળકોને ભગવાન માની લીધા અને કેટલીક ઇંટોથી એક નાનું મંદિર બનાવી દીધું અને પૂજા કરવા લાગ્યા. લોકોનું માનવું છે કે આ પછી જ્યાં નજીકના કૂવામાં ખારું પાણી હતું ત્યાં તે કૂવાના પાણી પણ મીઠા થઈ ગયા અને તે રસ્તા પર અકસ્માતો પણ બંધ થઈ ગયા.

લોકો એવું પણ માને છે કે આ પાણીને પ્રસાદ તરીકે લેવાથી શરીરના કષ્ટો દૂર થાય છે. ત્યારથી લોકો મન્નત લઈને આવવા લાગ્યા. અહીં વ્રતની પૂર્તિ પર 12 થી 100 બોટલ અને હજારો પાણીના પાઉચ ચઢાવવામાં આવે છે.