Site icon Revoi.in

સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિરના દ્વારા ખૂલતા ભાવિકો ભાવ વિભોર બન્યા

Social Share

વેરાવળઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે ખુલતા આજે વહેલી સવારથી જ મહાદેવજીના દર્શન કરવા ભાવીકો ઉમટી પડ્યા હતા. કોરોના મહામારીને લઇ સોમનાથ મહાદેવ મંદિર રાજય સરકારની જાહેર નવી ગાઇડ લાઇન મુજબ ભાવિકોને પ્રવેશ સાથે દર્શનનો લ્‍હાવો મળતા શિવભકતોમાં ખુશીની લહેર જોવા મળતી હતી.

કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને સોમનાથ મહાદેવ મંદિર તા.11 એપ્રિલથી દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યુ હતું. આજે તા.11 જૂનથી સોમનાથ મંદિરના દ્વાર સરકારની નવી ગાઇડલાઇન મુજબ ભાવિકો માટે ખોલાવામાં આવતા ભાવિકોમાં ખુશીની લાગણી છવાયેલી નજરે પડતી હતી. આજથી ભાવિકો માટે સોમનાથ મંદિર 7:30 થી 11:30 અને 12:30 થી 6:30 સુધી માત્ર દર્શન માટે જ ખુલ્‍લુ રહેશે. મંદિરમાં થતી ત્રણ ટાઇમ આરતીમાં કોઈ ભાવિકને પ્રવેશ આપવામાં મળશે નહીં.

આજે પ્રથમ દિવસે સરકારની ગાઈડલાઈન મુજબ ઓનલાઇન અથવા ઓફલાઇન પાસ લીઘા બાદ દર્શનાર્થીઓને માસ્ક પહેર્યું હોય તો જ પ્રવેશ આપવામાં આવતો હતો. આ સાથે મંદિરમાં પ્રવેશદ્વાર પર મુકવામાં આવેલા મશીનમાં તમામ ભાવિકોનું ટેમ્પરેચર ચેક કર્યા બાદ હાથ સેનેટાઈઝ કરીને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.  સાથે પરીસરમાં ભાવિકોને સામાજીક અંતર જાળવવાની સુચના આપી સ્‍ટાફ દ્વારા પાલન કરાવવામાં આવી રહ્યું હતું. આજે 61 દિવસ બાદ સવારે 7:30 વાગ્‍યે સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે ખુલ્‍યા તે સમયે અનેક શિવભક્તો રાહ જોઇને બહાર ઉભા હતા. જે તમામએ ગાઇડલાઇનના પાલન સાથે સોમનાથ મહાદેવના દર્શન કરી શીશ ઝુકાવી ભાવવિભોર થયા છે.