યાત્રાધામ અંબાજીમાં ચૈત્રી પુનમના લીધે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં, મંદિરમાં ભક્તિમય માહોલ છવાયો
અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા અંબાજીમાં ચૈત્રી પુનમના દિને માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. મંદિરના પરિસરમાં દર્શનાર્થીઓની લાઈનો જોવા મળી હતી. ચાચરચોક નજીક આવેલા યજ્ઞશાળામાં પણ ભાવિકોએ હવનના દર્શન કર્યા હતા. યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે અને વ્યવસ્થા યોગ્યરીતે જળવાઈ રહે તે માટે ટ્રસ્ટ દ્વારા જહેમત ઊઠાવવામાં આવી હતી. ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીના મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. તો સાથે સાથે માતાજીના ચાચર ચોકમાં ભક્તોનો જમાવડો પણ જોવા મળ્યો હતો.
યાત્રાધામ અંબાજીમાં ચૈત્રી પૂનમના દર્શનનું વિશેષ મહાત્મ્ય છે. ભાદરવી પૂનમની જેમ ચૈત્રી પુનમે પણ મોટી સંખ્યામાં યાત્રિકો માતાજીના દર્શન માટે આવતા હોય છે. મંગળવારે ચૈત્રી પુનમના દિને મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. મા જગતજનની અંબાના મંદિરમાં માતાજીની આરતી વહેલી સવારે કરવામાં આવી હતી. માઇભકતોની વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે લાંબી લાઈનો જોવા મળી હતી. વહેલી સવારે મંદિરના મુખ્ય પૂજારી ભટજી મહારાજ દ્વારા માતાજીની મંગળા આરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં માઇભક્તો પણ જોડાયા હતા. માતાજીની મંગળા આરતીનો લાભ લઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. બોલ માડી અંબે જય જય અંબેના જયઘોષ સાથે માઇભક્તો મા ના મંદિરે પહોંચ્યા હતા. માતાજીના મંદિરના ચાચરચોક પાસે આવેલા યજ્ઞશાળામાં ભક્તો દ્વારા હવન, યજ્ઞ કરાયો હતો માતાજીના જયકારોથી માં અંબાનું મંદિર ગુંજી ઉઠ્યું હતુ. આજે ચૈત્રી નવરાત્રીને લઈને અંબાજી મંદિરમાં ભક્તિમય માહોલ છવાયો હતો.