માતા વૈષ્ણોદેવીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને નવરાત્રી દરમિયાન મળશે મોટી ભેટ, મળશે આ વૈભવી સુવિધાઓ
શ્રીનગર: નવરાત્રિમાં માતા વૈષ્ણોદેવીના દર્શનાર્થે આવતા યાત્રાળુઓને મોટી ભેટ મળશે. જમ્મુના કટરા ખાતે રૂ.15.5 કરોડના ખર્ચે નિર્માણાધીન અત્યાધુનિક સ્કાયવોક ફ્લાયઓવરનું ઓક્ટોબરમાં નવરાત્રિ દરમિયાન માતા વૈષ્ણોદેવી ગુફા મંદિરના ભક્તોને લોકાર્પણ કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના કટરા શહેરના ત્રિકુટા પહાડોમાં માતા વૈષ્ણો દેવી ભવનનું ગર્ભગૃહ આવેલું છે અને દર વર્ષે દેશ-દુનિયામાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગુફાના દર્શન કરે છે. આ વર્ષે નવ દિવસની નવરાત્રિ 15 ઓક્ટોબરથી શરૂ થઈને 24 ઓક્ટોબરે પૂરી થાય છે.
વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અંશુલ ગર્ગે જણાવ્યું હતું કે, “માતા વૈષ્ણો દેવી ભવન ખાતે અત્યાધુનિક સ્કાયવોક ફ્લાયઓવરનું નિર્માણ કાર્ય પૂર્ણ થવાના અંતિમ તબક્કામાં છે અને ઓક્ટોબરમાં નવરાત્રિ દરમિયાન યાત્રાળુઓને સમર્પિત કરવામાં આવે તેવી અપેક્ષા છે.” 250 મીટર લાંબા સ્કાયવોકમાં વેઇટિંગ હોલ, બેઠક વ્યવસ્થા, એલઇડી સ્ક્રીન અને રેસ્ટ રૂમ જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ હશે.
તેમણે જણાવ્યું હતું કે, કઠોર હવામાનની પરિસ્થિતિમાં કતારમાં ઊભા રહીને શ્રદ્ધાળુઓને ઉઘાડા પગે ઠંડી ન લાગે તે માટે લાકડાના ફ્લોરિંગનો ઉપયોગ નિવારક પગલા તરીકે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સુરક્ષાના પગલાં રૂપે બે ઈમરજન્સી એક્ઝિટ અને સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, “સ્કાયવોક ફ્લાયઓવરના પ્રવેશદ્વાર પર એક કૃત્રિમ ગુફા પણ હશે જે ભક્તોને કુદરતી ગુફાની અનુભૂતિ કરાવશે.”
1 જાન્યુઆરી, 2022 ના રોજ વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગ દરમિયાન 12 લોકો માર્યા ગયા હતા અને 16 અન્ય ઘાયલ થયા હતા. દર વર્ષે સેંકડો યાત્રાળુઓ 31 ડિસેમ્બરે નવા વર્ષના પ્રથમ દિવસની શરૂઆત કરવા માટે માતા વૈષ્ણો દેવી મંદિરમાં આશીર્વાદ લેવા ગુફા મંદિરની મુલાકાત લે છે.