ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં અષાઢી બીજથી ભક્તો કરી શકશે દર્શન
અમદાવાદઃ કોરોના મહામારીને પગલે ધાર્મિક સ્થળો પણ ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યાં હતા. જો કે, હવે કોરોનાના કેસમાં ઘટાડો થતા જ ફરીથી જીવન પાટે ચડી રહ્યું છે. તેમજ સરકારે પણ નિયંત્રણો હળવા કર્યાં છે. દરમિયાન ગાંધીનગરમાં સુપ્રસિધ્ધ અક્ષરધામ મંદિર સોમવારથી ભક્તોના દર્શન માટે ખુલ્લુ મુકાશે. જો કે, દર્શનાર્થીઓએ કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.
અક્ષરધામ મંદિરમાં દર્શન કરવા માટે હાલનું સમયપત્રક સવારે 10:00 કલાકથી થી 7:30 કલાક દરમિયાન પરિસરમાં પ્રવેશ મળી શકશે. અક્ષરધામ મંદિરના દર્શન, પ્રદર્શન ખંડો, બુકસ્ટોલ, ગેમ્સ, પ્રેમવતી રેસ્ટોરન્ટ અને દરરોજ સાંજે 7:45 કલાકે યોજાતા વોટરશોને પણ દર્શનાર્થીઓ નિહાળી શકશે. નીલકંઠ અભિષેક પૂજા વિધિ હાલ પૂરતુ બંધ રહેશે. દર્શનાર્થીઓએ અક્ષરધામની મુલાકાત દરમિયાન પોતાના અને જાહેર સ્વાસ્થ્યની જાળવણી માટે કોરોના મહામારી અંગેના સરકારના તમામ નિયમો અને માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. રથયાત્રાના દિવસે સોમવાર હોવાથી તે દિવસે સોમવારથી અક્ષરધામ શરૂ થશે. તે દિવસ સિવાયના દર સોમવારે અક્ષરધામ બંધ રહેશે.