Site icon Revoi.in

અયોધ્યામાં ભક્તો તા. 23મી જાન્યુ.થી ભગવાન શ્રી રામજીના દર્શન કરી શકશે, દર્શનાર્થીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા

Social Share

અયોધ્યાઃ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે જણાવ્યું હતું કે, 22 જાન્યુઆરીએ મંદિરના ઉદ્ઘાટનના બીજા જ દિવસે 23 જાન્યુઆરીથી લોકોને ભગવાન રામના દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે. અયોધ્યામાં અચાનક મોટી ભીડથી બચવા માટે અલગ-અલગ રાજ્યોના લોકોને અલગ-અલગ દિવસે મંદિરમાં જવાની મંજૂરી આપવામાં આવી છે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયજીએ જણાવ્યું હતું કે, મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સર સંઘચાલક મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ અને તમામ ટ્રસ્ટીઓ પ્રાંગણમાં હાજર રહેશે. આ ઉપરાંત અન્ય ઘણા મહાનુભાવો પણ રામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમના સાક્ષી બનશે.

ચંપત રાયજીએ કહ્યું કે ઉદ્ઘાટન કાર્યક્રમને ધ્યાનમાં રાખીને એક ખાસ ટેન્ટ સિટી બનાવવામાં આવી છે. ઠંડીના વાતાવરણને જોતા આ એરટાઈટ ટેન્ટમાં તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ સુવિધા અયોધ્યા આવનારા ઋષિ-મુનિઓ અને સામાન્ય ભક્તોને મળશે. આ પ્રસંગે ડૉક્ટરો, નાની હોસ્પિટલ, દવાઓ અને એમ્બ્યુલન્સ અને અન્ય સંસાધનો કોઈપણ ઈમરજન્સીનો સામનો કરવા માટે હાજર રહેશે. 24 કલાક રેસ્ટોરન્ટ અને બે હજારથી વધુ શૌચાલયની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર 15 જાન્યુઆરી સુધીમાં આવી દરેક તૈયારીને આખરી ઓપ આપવામાં આવશે.

રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે અયોધ્યામાં લોકોની ભારે ભીડ જામશે. ટ્રસ્ટ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે કે આ સમયગાળા દરમિયાન લોકોને મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યાનો સામનો કરવો ન પડે. આ માટે કેટલીક કંપનીઓ સાથે વાત કરીને આટલી મોટી સંખ્યામાં લોકોને નેટવર્ક અને ઈન્ટરનેટની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.