અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજી મંદિરમાં રોજબરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે. જેમાં ચૈત્રી પૂનમના માતાજીના દર્શનનું અનેરૂ મહાત્મ્ય છે. આજે ચૈત્રી પુનમનો દિન હોવાથી દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. ઘણા યાત્રિકો સોમવારે અંબાજી પહોંચી ગયા છે. ચૈત્રી પૂનમના દિને મંદિરના શિખર પર ધજાઓ ચડાવાશે
યાત્રાધામ અંબાજીમાં રોજબરોજ હજારોની સંખ્યામાં માઇભક્તો દૂર દૂરથી આવીને મા અંબાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવતા હોય છે. ભાદરવી પૂનમ દરમિયાન લાખોની સંખ્યામાં પગપાળા સંઘો અને ધજાઓ લઈને મા અંબાના દર્શનાર્થે આવે છે. ત્યારે ચૈત્રી નવરાત્રી દરમિયાન પણ મોટી સંખ્યામાં માઇભક્તો મા અંબાની ભક્તિ અને આરાધના કરવા કરતા જોવા મળતા હોય છે. ચૈત્રી નવરાત્રીનું પણ વિશેષ મહત્વ હોય છે અને ચૈત્રી પૂનમમાં પણ ભક્તો મોટી સંખ્યામાં માતાજીનો આશીર્વાદ લેવા અંબાજી આવે છે. આજે ચેત્રી પૂનમ અગાઉ ચૌદસના દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો અંબાજી મંદિરમાં જોવા મળ્યો હતો.
અંબાજી માતાજીના મંદિરમાં ગઈકાલે ચૈત્રી સુદ ચૌદસના દિવસે પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ ભક્તો સંઘો લઈને અને હાથોમાં ધજાઓ લઈને મા અંબાના મંદિરે પહોંચ્યા હતા. મા અંબાના મંદિરમાં પહોંચી ભક્તોએ ચાચર ચોકમાં ગરબા ઝૂમી માતાજીની આરાધના કરી હતી. અનેક માઇભક્તોએ મા અંબાના મંદિરે ધજા અને હવન સહિત ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. જય જય અંબેના નાદ સાથે મંદિરના ચારે બાજુ ભક્તિમય માહોલ છવાયો છે. આજે ચૈત્રી સુદ પૂનમ હોવાથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડશે