ઢાકાઃ હોસ્પિટલમાં સ્વાસ્થ્ય કર્મચારીઓ પરના હુમલાના વિરોધમાં ડૉક્ટરોની રાષ્ટ્રવ્યાપી હડતાળ
નવી દિલ્હીઃ બાંગ્લાદેશની જાહેર અને ખાનગી હોસ્પિટલોના ડૉકટરોએ રવિવારે ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલ (DMCH)માં એક વિદ્યાર્થીના મૃત્યુ બાદ આરોગ્ય કર્મચારીઓ પરના હુમલાના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કરી હતી. વિરોધ કરી રહેલા ડૉકટરોએ હુમલાના ગુનેગારો સામે તાત્કાલિક કાયદેસર અને શિક્ષાત્મક પગલાંની તેમજ કામ પર પાછા ફરવાની પૂર્વ શરત તરીકે કાર્યસ્થળો પર સલામતીની માંગ કરી હતી.
દેશભરના તબીબોએ ચાર મુદ્દાની માંગ સાથે 1 સપ્ટેમ્બરથી તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો સંપૂર્ણ બંધ રાખવાની જાહેરાત કરી છે. તેમની માંગણીઓમાં શનિવાર રાત્રે ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલ (DMCH)માં ડૉક્ટરો પર થયેલા હુમલામાં સામેલ લોકોની ધરપકડનો પણ સમાવેશ થાય છે.
વિરોધ કરી રહેલા ડોૉકટરોએ ડીએમસીએચ કેમ્પસમાં મીડિયાને જણાવ્યું હતું કે, “જેટલી વહેલી તકે તેઓ અમારી માંગણીઓ સ્વીકારશે, તેટલું સારું.” અમારી માંગણીઓ પૂરી થતાં જ અમે (દર્દીઓની) સારવાર શરૂ કરીશું.” તેમણે કહ્યું કે, નર્સોએ પણ ચિકિત્સકો સાથે એકતા વ્યક્ત કરી હતી અને કામ પર આવવાનો ઇનકાર કર્યો હતો.
જ્યારે સારવારના અભાવે કોઈનું મૃત્યુ થાય તો તેની જવાબદારી કોણ લેશે તેવું પૂછવામાં આવતાં વિરોધ કરી રહેલા તબીબોએ કહ્યું કે, આવી કોઈ પણ ઘટના માટે વહીવટીતંત્ર જવાબદાર રહેશે. ડૉક્ટરોએ દેશમાં તમામ આરોગ્ય સંભાળ સુવિધાઓમાં સશસ્ત્ર “આરોગ્ય પોલીસ” તૈનાત દ્વારા તાત્કાલિક સુરક્ષા પગલાંની માંગ કરી હતી.