Site icon Revoi.in

ધાનેરા નગરપાલિકાએ 4.26 કરોડનું બાકી વીજ બીલ ન ભરતા સ્ટ્રીટ લાઈટ સહિત કનેક્શનો કપાયાં

Social Share

પાલનપુરઃ ગુજરાતમાં ઘણીબધી નગરપાલિકાઓ બાકી ટેક્સની યોગ્ય રિકવરી કરી શકતી ન હોવાથી આર્થિક સમસ્યા ભોગવી રહી છે. અને મોટાભાગે સરકાર દ્વારા મળતી ગ્રાન્ટમાંથી વિકાસના કામો કરવાને બદલે વીજળી સહિતના બિલો ચુકવવામાં ગ્રાન્ટ વપરાઈ જતી હોય છે. બનાસકાંઠામાં ધાનેરા નગરપાલિકાએ લાઈટ બિલ ન ભરતા વીજ કંપનીએ સ્ટ્રીટ લાઈટોનું કનેક્શન કાપી નાંખતા શહેરમાં અંધકાર છવાયો છે. ધાનેરા નગરપાલિકાનું 4 કરોડ 26 હજારનું વીજ બિલ બાકી હોવાથી UGVCL વીજ કંપનીએ લાઈટનું કનેક્શન કાપી નાંખ્યું છે.

બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકાની આર્થિક સ્થિતિ ઘણા સમયથી કથળી છે. બાકી ટેક્સની રિકવરીનો ગ્રાફ ખૂબ નીચો છે. નગરપાલિકાના સત્તાધિશો દ્વારા બાકી ટેક્સ સામે કડકાઈ દાખવવામાં આવતી નથી. તેથી આવક સામે જાવક વધી રહી છે. નગરપાલિકાએ કરોડો રૂપિયાના લાઈટ બિલની ચૂકવણી ન કરતા UGVCL વીજ કંપનીએ શહેરની સ્ટ્રીટ લાઈટોના વીજ કનેક્શન કાપી નાંખ્યા છે. જેના કારણે લોકોએ અંધારપટમાં રહેવાનો વારો આવ્યો છે.

ધાનેરા નગરપાલિકા પાસે લાઈટ બિલ ભરવાના પૈસા ના હોવાથી વીજ કંપનીએ સ્ટ્રીટ લાઈટોનું કનેક્શન કાપ્યું છે. ધાનેરા નગરપાલિકાનું 4 કરોડ 26 હજાર વીજ બિલ બાકી હોવાથી UGVCL વીજ કંપનીએ લાઈટનું કનેક્શન કાપી નાંખ્યું છે.  વીજ કંપની દ્વારા છેલ્લા કેટલાક સમયથી અવાર-નવાર બિલ ભરવા માટે નોટિસ આપવામાં આવી હતી. પરંતુ નગરપાલિકા દ્વારા આ વીજબિલો ભરવામાં ના આવતા નગરપાલિકાને આખરી નોટિસ ફટકારી હતી તેમ છતાં પાલિકા દ્વારા વીજળી બિલના નાણાં ન ભરાતા વીજ કંપનીએ લાઈટનું કનેક્શન આપી નાંખ્યુ છે. જેના કારણે નગરપાલિકા કચેરીમાં પણ અંધારપટ છવાયો હતો અને પાલિકામાં કામ અર્થે આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.