ધરોઈ ડેમઃ નવા પાણીની આવકને પગલે જળસપાટી 618.53 ફુટ પહોંચી, 12888 ક્યુસેક પાણીની આવક
- જળાશયમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું
- નદી કાંઠા વિસ્તારના વિસ્તારોને સાબદા કરાયાં
અમદાવાદઃ ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમના ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે ડેમમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે. ડેમમાં લગભગ 12888 ક્યુસેક જેટલી પાણીની આવક થઈ રહી છે. નવા પાણીની આવકને પગલે જળસપાટી વધીને 618.53 ફુટ ઉપર પહોંચી છે. બીજી તરફ ડેમમાંથી દરવાજા ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
ઉત્તર ગુજરાતના સરદહી જિલ્લાઓમાં પણ વરસાદ નોંધાય રહ્યો છે જેથી ધરોઈના ઉપરવાસમાંથી આવક વધવાને લઈ મંગળવારે સવારે પાણીની આવકમાં વધારો નોંધાયો હતો. સવારે પાણીની આવકમાં 3 ગણી વધી હતી. રવિવારે રુલ લેવલ કરતા અડધો ફૂટ કરતા વધારે જળસપાટી વધી હતી અને બાદમાં પણ પાણીની આવક સતત જારી રહેવાને લઈ આખરે પાણી નદીમાં છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ધરોઈ ડેમનો એક દરવાજો રવિવારે બપોરે ખોલવામાં આવ્યો હતો. જે સતત ત્રીજા દિવસે પણ ખુલ્લો રાખવામાં આવ્યો છે. મંગળવારે દરવાજો થોડો વધુ ખોલવામાં આવ્યો છે. ધરોઈ ડેમમાં જળસંગ્રહની સપાટી રુલ લેવલ મુજબ જાળવવા માટે થઈને પાણી વધારે નદીમાં છોડવામાં આવ્યુ હતુ. ડેમનો દરવાજો હાલ 1.37 મીટર જેટલો ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. સાબરમતી નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને પણ સાબદા રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. ધરોઈ ડેમમાં સવારે 07.00 કલાકે 4836 ક્યુસેક, સવારે 08.00 કલાકે 4836 ક્યુસેક અને સવારે 09.00 કલાકે 12888 ક્યુસેક પાણીની આવક થઈ હતી.