પાલનપુરને અપાતા ધરોઈ ડેમના પાણીમાં 50 ટકાનો કાપ મુકાયો, હવે એકાંતરે 30 મિનિટ જ પાણી મળશે
પાલનપુરઃ બનાસકાંઠામાં ગત ચોમાસા દરમિયાન સારા વરસાદને કારણે આ વખતે પીવાના પાણીની વિકટ સમસ્યા જોવા મળી ન હતી. જોકે જિલ્લાના કેટલાક ગામોમાં ટેન્કરથી પાણી પુરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે. જ્યારે જિલ્લાનું મથક એવા પાલનપુર શહેરને ધરોઈ ડેમનું પાણી આપવામાં આવે છે. પરંતુ ધરોઈના અપાતા પાણીમાં 50 ટકાનો કાપ મૂકાતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી અપૂરતું પહોંચી રહ્યું છે. ઉપરાંત જ્યાં અગાઉ 40 મિનિટ પાણી અપાતું હતું ત્યાં 30 મિનિટ પાણી અપાઇ રહ્યું છે. 1.60 કરોડ લીટર સામે 70 લાખ લીટર પાણી આવી રહ્યું છે. એટલે પાણી પુરવઠામાં કાપ મુકાતા આ સ્થિતિ સર્જાઇ છે.
પાલનપુર શહેરમાં છેલ્લા 15 દિવસથી લોકો પાણીની મુશ્કેલી વેઠી રહ્યા છે. શહેરના નાની બજાર અને મોટી બજારમાં પાણીની તંગીના લીધે લોકો ખાનગી ટેન્કર મંગાવી ટાંકામાં પાણી સંગ્રહ કરી રહ્યા છે. હાલમાં નગરપાલિકા દ્વારા 44 બોર દ્વારા પાણી મિક્સ કરીને અપાય છે. શહેરને ધરોઈથી આપવામાં આવતુ પાણી શહેરના જુદા જુદા વોર્ડમાં આવેલી ટાંકીમાં નાખી લોકોને એકાંતરે પાણીનો સપ્લાય આપવામાં આવે છે.પરંતુ ભર ઉનાળે છેલ્લા 15 દિવસથી ધરોઇ આધારિત પાણીની તંગી સર્જાઈ છે.પાણી સપ્લાય 50 ટકા કરી દેવાતા શહેરીજનોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી દૈનિક 1.60 કરોડ લિટર પ્રતિ દિન પાણીની માગણી સામે છેલ્લા 15 દિવસથી 80 લાખ લીટર પાણી પ્રતિદિન પૂરું પાડવામાં આવી રહ્યું છે.
પાલનપુર નગરપાલિકા પ્રમુખ કિરણબેન રાવલ અને ચિફ ઓફીસર નવનિત પટેલ દ્વારા પાણી પુરવઠા વિભાગ અને જિલ્લા કલેકટરને લેખિતમાં પત્ર લખી પૂરતા પ્રમાણમાં પાલનપુર શહેરને પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. નોંધનીય છે કે હાઇવે વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીમાં ધરોઈ પાઇપ લાઇન જોડવામાં ન આવતા હાઇવે સોસાયટીના લોકો પાણીની તંગી અનુભવી રહ્યા છે.