ભૂજઃ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેઝમાં કચ્છના ધોળાવીરાને સ્થાન મળ્યા બાદ દેશ-વિદેશના પ્રવાસીઓમાં વધારો થઈ રહ્યો છે. પણ ખાટલે મોટી ખોટ એ છે, કે, ધાળાવીરામાં પ્રવાસીઓ માટે પુરતી વ્યવસ્થા ઊભી કરવામાં તંત્રને કોઈ રસ ન હોય એવું લાગી રહ્યું છે. જિલ્લાના અન્ય પ્રદેશોથી થોડી વિશેષ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા આ વિસ્તારમાં વીજળી તો વર્ષો પહેલા પહોંચી ગઈ છે, પણ આજે ધોળાવીરા ગામને કોઈ દિવસ 2 કલાક સળંગ વીજ પુરવઠો મળતો નથી. વર્ષોથી આ ગામના લોકો વર્ષના 365 દિવસ ચોવીસે કલાક વીજ ધાંધિયા વચ્ચે જીવે છે.
કચ્છ આવતા દરેક પ્રવાસીઓના નકશા પર હડપ્પન સભ્યતાના 5 હજાર વર્ષ જૂના અવશેષો ધરાવતું ધોળાવીરા એક મહત્વનું સ્થાન ધરાવે છે. બે વર્ષ પહેલાં યુનેસ્કો દ્વારા ધોળાવીરા સાઈટને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો હતો, ત્યાર બાદ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ધોળાવીરાના વિકાસની અનેક વાતો કરવામાં આવી હતી. જો કે, વર્લ્ડ હેરિટેજ સાઈટનું પદ ધરાવતું ધોળાવીરા આજે પણ અંધારામાં જીવે છે. ધોળાવીરામાં રહેલા હડપ્પન સંસ્કૃતિના અવશેષો જોવા દેશ-વિદેશથી લોકો આવે છે. અહીં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યા બાદ પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થયો છે, પરંતુ આ ધરોહરને શોધવા અને તેની જાળવણીમાં મહત્વપૂર્ણ ફાળો બજાવનારા ધોળાવીરા ગામના લોકો આજે પણ પાયાની સુવિધાઓથી વંચિત છે.
વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર થયા પહેલેથી જ ધોળાવીરામાં પ્રવાસીઓની અવરજવર ચાલુ હતી. ધોળાવીરા ભારતનું 40મું વિશ્વ ધરોહર બનતા કચ્છ સહિત સમગ્ર દેશમાં ખુશી જોવા મળી હતી અને ધોળાવીરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા સુધીની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, આજે બે વર્ષ બાદ એરપોર્ટ બનાવવા તરફ તો કોઈ કામગીરી નથી થઈ પણ હજુ ધોળાવીરાને વીજળી પણ મળતી નથી. કોઈ દિવસ 2 કલાક સળંગ વીજ પુરવઠો મળતો નથી. વર્ષોથી આ ગામના લોકો વર્ષના 365 દિવસ ચોવીસે કલાક વીજ ધાંધિયા વચ્ચે જીવે છે. લોકો 66 કે.વી સબ-સ્ટેશન મંજૂર કરવાની માંગ કરી રહ્યા છે.
સૂત્રોએ જમાવ્યું હતું કે, ધોળાવીરા માટે સરકાર દ્વારા વિશેષ દરકાર કરી 66 કે.વી. સબ-સ્ટેશન મંજૂર કરવામાં આવ્યું હતું અને સબ સ્ટેશન બનીને તૈયાર પણ થઈ ગયું છે. જો કે, અમરાપરથી ધોળાવીરા સુધી વીજલાઈન પહોંચાડવા હવે પર્યાવરણ વિભાગની મંજૂરી માટે આ સબ-સ્ટેશન રાહ જોઈ રહ્યું છે. ધોળાવીરા ગામના લોકો પણ માંગ કરે છે કે, આ સબ સ્ટેશન કાર્યરત થાય, તો ગ્રામજનો સહિત વર્ષ દરમિયાન આવતા લાખો પ્રવાસીઓને પણ તેનો લાભ થશે.