કચ્છના ધોળાવીરાને વર્લ્ડ હેરિટેઝમાં સ્થાન મળતા હવે વિદેશી પ્રવાસીઓ માટે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવાશે
ભુજ: કચ્છમાં વિનાશક ભૂકંપ પછીના બે દાયકામાં ઉદ્યોગ-ધંધા, રોજગાર સહિતના ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. તાજેતરમાં ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળતાં રોજગારીની વિપુલ તકો ઊભી થશે. હવે ધોળાવીરા ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કરવાનું સરકાર વિચારી રહી છે. કારણ કે, ધોળાવીરાની વર્લ્ડ હેરિટેજ સાઈટને નિહાળવા માટે વિદેશના પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે તેવી શક્યતા છે. વિદેશીઓ સીધા જ ધોરાવીરા આવી શકે તે માટે ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કરાશે.
ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળતા વિકાસની વિપુલ તકો ઊભી થશે. ગત વરસે રૂા. 500 કરોડ ધોળાવીરાના વિકાસ માટે રાજ્ય સરકારે મંજૂર કર્યા હતા. રાજ્ય સરકાર પણ ધોળાવીરાના સર્વાંગી વિકાસ માટેનું આયોજન કરી રહી છે. ભૂજથી ધોળાવીરા સુધીના સ્ટેટ હાઈવેનું કામ પુરૂ થવાની તૈયારીમાં છે. ધોળાવીરામાં ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવ્યા બાદ પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા અદ્યત્તન હોટલો પણ શરૂ કરાશે.
આ માટે હોટલ ઉદ્યોગ વિક્સાવવા સરકાર ખાસ પોલીસી તૈયાર કરશે. અને સરકાર એમઓયુ પણ કરશે. ગુજરાત ટુરિઝમ નિગમને પણ કહેવાય છે કે, આ અંગે સુચના આપી દેવામાં આવી છે. ધોળાવીરા એ હાલ વિકાસથી વંચિત રહેલો પછાત વિસ્તાર છે. એના પેટાળમાં અનેક અજાબીઓ ઘરબાયેલી છે. અને તે અંગેના સંશોધનો પણ ચાલી રહ્યા છે. ધોળાવીરાને વર્લ્ડ હેરિટેઝમાં યુનેસ્કોએ સ્થાન આપતા હવે કચ્છ દુનિયાના નકશામાં પ્રવાસન ક્ષેત્રે અંકિત થઈ ગયું છે. એટલે વિદેશી પ્રવાસીઓમાં વધારો થશે તે નક્કી છે, ત્યારે ધોળાવીરામાં ઈન્ટરનેશનલ એરપોર્ટના નિર્માણ માટે સરકાર વિચારી રહી છે.