અમદાવાદઃ તેલંગાણાના 13મી સદીના રામપ્પા મંદિરને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સીટમાં સામેલ કર્યાં બાદ ભારતની અન્ય ઐતિહાસિક ધરોહર ધોળાવીરાનો પણ વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં ધોળાવીરા આવેલું છે. મોટી સંખ્યામાં લોકો ધોળાવીરના પ્રવાસે દર વર્ષે આવે છે.
ધોળાવીરા ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉના ખદિરબેટમાં આવેલું છે. આ એક ઐતિહાસિક સ્થળ છે જ્યાં લગભગ પાંચ હજાર વર્ષ પહેલાના વિશ્વના પ્રાચીન અને મહાનગર હતું. ધોળાવીરામાં હડપ્પા સભ્યતાના અવશેષ પણ મળી આવ્યાં હતા. જે દુનિયાભરમાં આગવી વિરાસતથી જાણીતી છે. આ સ્થળ કચ્છના રણમાં મીઠાના વિશાળ મેદાનથી ઘેરાયેલું છે એટલું જ નહીં પ્રાચીન સિંધુ ઘાટી સભ્યતાના પણ અવશેષો જોવા મળે છે.
યુનેસ્કોની યાદીમાં સામેલ થવાની રેસમાં ધોળાવીરાની સાથે ઈરાનના હવારામન, જાપાનનું જોમોન, જોર્ડનનું એક-સાલ્ટ અને ફ્રાંસના નાઈસનો સમાવેશ થતો હતો. સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠનએ ટ્વીટ કરીને ધોળાવીરા, ભારતમાં હડપ્પાકાલીન શહેરને વિશ્વ ધરોહરને યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ સ્થળો વિશ્વ ધરોહરમાં સામેલ થયાં છે. જેમાં પાવાગઢ નજીક ચંપાનેર, પાટણની રાણીની વાવ અને ઐતિહાસિક અમદાવાદ શહેરનો સમાવેશ થાય છે. હવે આ યાદીમાં ધોળાવીરાનો પણ ઉમેરો થયો છે.
સંસ્કૃતિ મંત્રી જી.કિશન રેડ્ડીએ ટ્વીટ કરીને કહ્યું હતું. ધોળાવીરાના રૂપમાં યુનેસ્કોની વિશ્વર ધરોહર યાદીમાં ભારતનું 40મું સ્થળ સામેલ થયું છે. વર્ષ 2014થી અત્યાર સુધીમાં વિશ્વ ધરોહરની યાદીમાં ભારતના 10 નવા સ્થળોને સ્થાન મળ્યું છે.
(PHOTO-FILE)