વર્ષ 2026ના અંત સુધીમાં ધોલેરા એરપોર્ટનું કાર્ય પૂર્ણ થઈ જશે: બળવંતસિંહ રાજપૂત
અમદાવાદઃ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને સંસદસભ્યશ્રીઓ તથા ધારાસભ્યોની સ્થાયી પરામર્શ સમિતિની બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ હતી. જેમાં રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ ઉપસ્થિત રહ્યાં હતાં. દરમિયાન બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ગુજરાતની વિકાસયાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાત આગળ ધપાવી રહી છે. રાજ્યના માળખાકીય વિકાસમાં ઉદાહરણરૂપ એવા ધોલેરા એરપોર્ટનું કાર્ય આગામી વર્ષ 2026ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. જેના માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.
રાજ્યના ઉદ્યોગ કમિશનરની કચેરી દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની પ્રસંશા કરતાં તેમણે કહ્યું હતું કે, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ (MSME)ને સ્પર્શતા તમામ પ્રશ્નોનો નિકાલ કરવા આગામી સપ્તાહમાં ‘ઝીરો પેન્ડન્સી’નો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જે સરાહનીય કામગીરી છે. વધુમાં તેમણે શ્રમ અને રોજગારની યોજનાઓ તમામ ધારાસભ્યોને પહોંચે તે માટે વિભાગને સૂચન કર્યું હતું.
રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ રાજ્યના મીઠા ઉદ્યોગને વધુ વેગ મળે તે માટે અગરિયાઓની સુવિધાઓમાં હજુ વધારો કેવી રીતે કરી શકાય તે અંગે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શરૂ કરવામાં આવેલ અનુબંધમ પોર્ટલ રોજગાર પ્રદાતા અને રોજગારવાંચ્છુ યુવાનો વચ્ચે કડીરૂપ છે. આ પોર્ટલ પર વધુને વધુ સેક્ટર સ્પેસિફિક ઉદ્યોગોને જોડવા માટે તેમણે સૂચના આપી હતી.
આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઉદ્યોગ કમિશનરની કચેરી, કુટિર અને ગ્રામોદ્યોગ કમિશનરની કચેરી તેમજ શ્રમ અને રોજગારની વિવિધ કચેરીઓ દ્વારા જુદા-જુદા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યાં હતાં, જેમાં સંબંધિત વિભાગની કામગીરીની વિસ્તૃત વિગતો રજૂ કરાઈ હતી, જેના અનુસંધાને દ્વિપક્ષીય હકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
પરામર્શ સમિતિના સભ્ય સંસદસભ્ય-ધારાસભ્યઓ દ્વારા સંબંધિત વિભાગવાર જુદી-જુદી રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં, નવી જીઆઈડીસી કાર્યાન્વિત કરવા, નાગરિક ઉડ્ડયન અંતર્ગત રાજ્યના એરપોર્ટ્સનું સુદૃઢીકરણ કરવા, સ્માર્ટ સિરામિક પાર્ક સ્થાપવા, લઘુત્તમ વેતન, કામકાજના કલાકો સહિતના મુદ્દાઓ વિશે ચર્ચા-રજૂઆતો કરવામાં આવી હતી. સંસદ સભ્ય ભરતસિંહ ડાભી દ્વારા મહિલાઓ માટે અલાયદી ડ્રાઈવિંગ સ્કુલ ઊભી કરી રોજગારીની તકો ઊભી કરવા અંગે સૂચન કરવામાં આવ્યાં હતાં, જે અંગે યોગ્ય કરવા મંત્રીશ્રીએ તત્પરતા દર્શાવી હતી.