ગાંધીનગરઃ ગુજરાત આજે દેશ-વિદેશના ઉદ્યોગો અને રોકાણકારો માટે પ્રથમ પસંદગી બન્યું છે. ગુજરાતમાં રહેલી રોકાણની વિવિધ તકોને ઉજાગર કરવા તેમજ રાજ્યમાં રોકાણને આકર્ષવા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પ્રથમ દિવસે “ધોલેરા: અ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી ફોર સ્માર્ટ બિઝનેસ” વિષય ઉપર વિશેષ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને ગુજરાતના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ધોલેરાને ફ્યુચર મોડલ ગ્રીનફીલ્ડ સિટી ગણાવતા કહ્યું હતું કે, વડાપ્રધાનના વિઝનથી ગુજરાતમાં વિકસી રહેલું સ્માર્ટ, ગ્રીન, હાઈલી ડેવલપ અર્બનાઈઝેશન ગ્રીનફિલ્ડ કન્સેપ્ટ સાથેનું ધોલેરા ગ્રીનફીલ્ડ સ્માર્ટ સિટી અન્ય રાજ્યો માટે રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત થશે. ભવિષ્યમાં ભારત સરકાર પણ દેશભરમાં ધોલેરાથી પ્રેરિત અનેક ગ્રીનફીલ્ડ સિટીનું નિર્માણ કરશે. ગોયલે બે દશક પહેલાના અને અત્યારના ધોલેરા શહેર વચ્ચેના વિકાસપથની છબી પ્રસ્તુત કરી હતી. એક સમયે ધોલેરા માત્ર જમીનનો ટુકડો હતો, વડાપ્રધાનના દૂરંદેશીપૂર્ણ વિચારથી આજે ત્યાં ઉદ્યોગો માટે પ્લગ એન્ડ પ્લે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાતના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે વર્ષ 2009માં તેમણે ધોલેરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. ગુજરાતની શાંતી, સલામતી, સુરક્ષા, સુશાસન અને રાજ્ય સરકારની સક્રિયતા સહિત ધોલેરા સ્માર્ટ સિટીનું વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણકારોને ધોલેરામાં રોકાણ કરવા આકર્ષે છે. ટાટા પાવર દ્વારા તાજેતરમાં જ ધોલેરા ખાતે સેમિકન્ડક્ટર મેન્યુફેકચરિંગ પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. આ તકે મંત્રીએ સૌ ઉદ્યોગકારોને ધોલેરામાં રોકાણ કરવા માટે આમંત્રિત કર્યા હતા.
ટાટા પાવર કંપનીના એમ.ડી. પ્રવીણ સિંહાએ ધોલેરા ગ્રીનફીલ્ડ સ્માર્ટ સિટીમાં 300 મેગાવોટનો રીન્યુએબલ એનર્જી પ્લાન્ટ સ્થપાઈ ચૂક્યો હોવાનું જણાવતા ઉમેર્યું હતું કે, ધોલેરામાં આવતા ઉદ્યોગોને રાજ્ય સરકારના અનેક લાભ અને સુવિધાઓ સહિત ગ્રીન એનર્જીની પણ સુવિધા મળશે. જે પ્રકારે ધોલેરા સ્માર્ટ સિટીનો વિકાસ થઇ રહ્યો છે, આગામી સમયમાં ધોલેરા સ્માર્ટ સિટી ઉપરાંત ફ્યુચરિસ્ટિક સિટી તરીકે પણ ઉભરી આવશે, તેમ કહી તેમણે સૌ ઉદ્યોગકારોને ધોલેરામાં રોકાણથી થતા લાભથી અવગત થવા અનુરોધ કર્યો હતો.